Ep-1: શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ
[પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુકત, કલ્યાણક ભૂમિ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્યામ વર્ણ, લગભગ ૬૦ સે.મી. (શ્વે.મંદિર)
તીર્થસ્થળ: ક્ષત્રિયકુંડની તળેટી કુંડઘાટથી પાંચ કિ.મી. દૂર વનયુક્ત પહાડો પર.
પ્રાચીનતા: આ તીર્થનો ઈતિહાસ ચરમ તીર્થંકર ભગવાન મહાવીર પૂર્વથી પ્રારંભ થાય છે. ભગવાન મહાવીરના પિતા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થ હતા. ક્ષત્રિયકુંડ તેમની રાજધાનીનું શહેર હતું. રાજા સિદ્ધાર્થના લગ્ન વૈશાલી ગણતંત્રના ગણાધીશ રાજા ચેટકની બહેન ત્રિશલા સાથે થયાં હતા. (દિગંબર માન્યતા અનુસાર ત્રિશલા રાજા ચેટકની પુત્રી હતી એમ કહેવાય છે) રાજા ચેટક શ્રી પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી હતા. રાજા ચેટકની પ્રતિજ્ઞા હતી કે તેમની પુત્રીઓનો વિવાહ જૈન રાજાઓ સાથે જ કરવામાં આવે.
કેટલી ધર્મશ્રદ્ધા હતી એમનામાં ! રાજા સિદ્ધાર્થ ઘણા જ શાંત, ધર્મ પ્રેમી અને જનપ્રિય રાજા હતા, ક્ષત્રિયકુંડની નજીક જ બાહ્મણકુંડ નામનું શહર હતું. જ્યાં ઋષભદત્ત નામનો માણસ રહેતો હતો. તેની ધર્મપત્નીનું નામ દેવાનંદા હતું. અષાઢ સુદ છઠના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં માતા દેવાનંદાએ મહાસ્વપત્ર જોયાં. એ જ ક્ષણે પ્રભુનો જીવ પોતાના પૂર્વના ૨૬ ભવ પૂરા કરી માતાની કૂખે પ્રવેશ્યો. સ્વપ્રાંનું ફળ સમજીને માતાપિતાને ઘણો હર્ષ થયો. ગર્ભકાળમાં તેમના ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થઈ.
પરંતુ જૈન મત અનુસાર તીર્થંકરપદ પ્રાપ્ત કરવાવાળા મહાન આત્માઓ માટે ક્ષત્રિયકુળમાં જન્મ લેવો અતિ આવશ્યક સમજવામાં આવે છે; પરંતુ મરીચિના ભવમાં કુલાભિમાનને લીધે તેમને દેવાનંદાની કૂખે જવું પડ્યું એવું માનવામાં આવે છે. શ્રી સૌધર્મેન્દ્રદેવે દેવાનંદા માતાના ગર્ભને ક્ષત્રિયકુળના જ્ઞાતવંશીય રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કૂખમાં સ્થાનાંતર કરવાનો આદેશ હરિણ્યગમેથી દેવને કર્યો. ઈન્દ્રની આજ્ઞાથી દેવે સવિનય ભક્તિભાવપૂર્વક માદરવા વદ તેરસના શુભ દિને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગર્ભનું સ્થાનાંતર કર્યું.
એ જ ક્ષણે વિદેહી પુત્રી માતાશ્રી ત્રિશલાએ તીર્થંકર જન્મ સૂચક મહાસ્વપ્ર જોયાં. આ રીતે ભગવાનનો જીવ માતા ત્રિશલાની કૂખમાં પ્રવેશ્યો. (દિગંબર માન્યતા અનુસાર ગર્ભનું સ્થાનાંતર થયું નહોતું એમ માનવામાં આવે છે.)
ગર્ભકાળના નવ માસ અને સાડા સાત દિવસ પૂરા થતાં માતા ત્રિશલાએ વિ.સં. ૫૪૩ પૂર્વે ચૈત્ર સુદ તેરશની અર્ધરાત્રિના સમયે સિંહલક્ષણયુક્ત પુત્રને જન્મ આપ્યો. ઈન્દ્રાદિ દેવોએ પભુને મેરુ પર્વત પર લઈ જઈ જન્માભિષેક મહોત્સવ ઘણાં જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવ્યો. રાજદરબારમાં પણ વધાઈઓ વહેંચવામાં આવી. કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. જનસાધારણમાં ખુશીની લહેર દોડવા લાગી.
માતા ત્રિશલાની કૂખે પ્રભુનો જીવ પ્રવેશ્યા પછી સમસ્ત ક્ષત્રિયકુંડ રાજ્યમાં ધનધાન્ય આદિની વૃદ્ધિ થઈ અને ચારે તરફ રાજયમાં સુખશાંતિ વધવા લાગ્યાં, જેથી જન્મના બારમા દિવસે પ્રભુનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. ( દિગંબર માન્યતા અનુસાર પ્રભુનો જન્મ વૈશાલીમાં આવેલા વાસકુંડમાં અથવા નાલંદા નજીક કુંડલપુરમાં થયેલો એવુ માનવમાં આવે છે.)

શ્રી વર્ધમાન નાનપણથી જ વીર અને નીડર હતા. એક વખત પ્રભુ પોતાના મિત્રો સાથે આમલની રમત રમતા હતા, ત્યારે એક દેવ સર્પનું રૂપ ધારણ કરી ઝાડ સાથે વીંટળાઈ ગયો. પ્રભુએ નીડરતાથી સાપને પકડીને એક જ ઝટકામાં ઝડપી જુદો કરી દીધો.
એ જે દેવ તેમની રમતમાં જોડાયા અને હારી જતાં તેમને ઘોડો બનવું પડ્યું. પ્રભુ જેવા તેમની ઉપર બેઠા કે તરત વિરાટ અને ભયાનક રૂપ ધારણ કરી વાયુવેગથી તેઓ દોડવા લાગ્યા, પણ પ્રભુનો મૃષ્ટિપ્રહાર થતાં જ તેઓ શાંત થઈ ગયા. વિનયપૂર્વક દેવે વંદન કરતાં પ્રભુને વીર નામથી સંબોધન કર્યું. આથી પ્રભુ મહાવીર પણ કહેવાયા, પ્રભુ નિડર અને વીર તો હતા જ, વિઘામાં પણ નિપુણ અને જ્ઞાનવાન હતા, જેનું વર્ણન પાઠશાળામાં ઉપાધ્યાય સન્મુખ દેવ દ્વારા પુછાયેલા પ્રજા વગેરેમાં મળી રહે છે.

પ્રભુની ઈચ્છા લગ્ન કરવાની ન હોવા છતાં માતા-પિતાની પ્રસન્નતા માટે રાજા સમરવીરની પુત્રી શ્રી યશોદાદેવી સાથે તેમનાં લગ્ન થયાં. ( દિગંબર માન્યતા અનુસાર લગ્ન થયાં ન હતાં, એવું માનવામાં આવે છે.) શ્રી યશોદાદેવીની કૂખે પ્રિયદર્શના નામની કન્યાનો જન્મ થયો. જેનો વિવાહ શ્રી જમાલી નામના રાજકુમાર સાથે થયો. જમાલી પ્રભુનાં બેન સુદર્શનાના પુત્ર હતા. પ્રભુ ૨૮ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતાનો દેહાંત થયો અને પ્રભુના ભાઈશ્રી નંદીવર્ધને રાજ્યભાર સંભાળ્યો, પ્રભુનું દિલ સાંસારિક કામોમાં લાગતું ન હતું, જેથી તેઓ હંમેશા વ્યાકુળ રહેતા હતા. ભાઈ મદીવર્ધનને વારંવાર આગ્રહ કર્યા પછી તેમણે દીક્ષા માટે સતી આપી. પ્રભુએ રાજસુખનો ત્યાગ કરી પ્રસન્નચિત્તે વરસીધાન આપતાં “જ્ઞાતખંડ' ઉપવનમાં જઈ વસ્ત્રાભૂષણનો ત્યાગ કરી પંચમુષ્ટિ લુંચન કરી વિ.સં.૫૧૩પૂર્વ કારતક ૧૦મીના શુભ દિને અતિકઠોર દીક્ષા અંગીકાર કરી એ જ સમયે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે પ્રભુની ઉંમર ત્રીસ વર્ષની હતી, જયારે પ્રભુએ વસ્ત્રાભૂષણો ત્યાગ કર્યો ત્યારે ઈન્દ્રે દેવદુશ્ય અર્પણ કર્યું.
આ રીતે પ્રભુનાં ત્રણ કલ્યાણક આ પાવનભૂમિમાં થયાં છે. દીક્ષા લીધા પછી પ્રભુને અનેક ઉપસર્ગ સહન કરવાં પડ્યાં. પ્રભુએ નીડરતા, ધર્મવીરતા, સહનશીલતા, માનવતા, નિર્ભયતા અને દયા બતાવીને વિશ્વમાં માનવધર્મ માટે એક નવીન જ તાજગી આપી.
કલ્પસૂત્રમાં પ્રભુવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડનું વર્ણન વિસ્તારપૂર્વક કરેલું છે. સં. ૧૩૫૨માં શ્રી જિનચંદ્રસુરિજીના ઉપદેશથી વાચક રાજશેખરજી, સુબુદ્ધિરાજજી. હેમતિલક ગણિજી, પૂણ્યકીર્તિગણિ વગેરે શ્રી બડગાંવ (નાલંદા)માં વિચર્ચા હતા, ત્યાંના ઠાકોર રત્નપાલ આદિ શ્રાવકોએ સપરિવાર ક્ષત્રિયકુંડ ગામ આદિ તીર્થસ્થાનોની યાત્રા કરી હતી, જેનું વર્ણન પ્રધાનાચાર્ય ગુર્વાવલીમાં આવે છે.

પંદરમી સદીમાં આચાર્યશ્રી લોકહિતાયાર્ચસૂરિજી ક્ષત્રિયકુંડ આદિ યાત્રાર્થ પધાર્યા, તેનો ઉલ્લેખ શ્રી જિનોયસૂરિજી પ્રેષિત વિજ્ઞાપ્તિ મહાલેખમાં મળી આવે છે. સં.૧૪૬૭માં શ્રી જિનવર્ધનસૂરિજી દ્વારા રચિત પૂર્વદિશ ચૈત્ય પરિપાટીમાં ક્ષત્રિયકુંડનું વર્ણન છે. સોળમી સદીમાં વિદ્વાન શ્રી જયસાગરોપાધ્યાયજી દ્વારા અહીંની યાત્રા થયાનું વર્ણન દશવૈકાલિક વૃત્તિમાં મળી આવે છે. મુનિ જિનપ્રભસૂરિજીએ પણ પોતાની 'તીર્થમાળા'માં ક્ષત્રિયકુંડનું વર્ણન કર્યું છે. કવિ હંસ સોમવિજયજી દ્વારા સં.૧૫૬પમાં રચિત 'તીર્થમાળા'માં આનું વર્ણન છે. અઢારમી સદીમાં શ્રી શીલવિજયજીએ આ તીર્થની સુંદર ઢંગમાં વ્યાખ્યા કરી છે. સં.૧૭૫૦માં સૌભાગ્યવિજયજીએ પણ પોતાની 'તીર્થમાળા''માં અહીંનું વર્ણન કર્યું છે. આ રીતે અહીંનું વર્ણન ઘણે સ્થળે જોવા મળે છે. હાલ પહાડ પર આ જ એક મંદિર છે, જેને જન્મસ્થાન કહે છે.
નજીક જ અનેક પ્રાચીન ખંડરો પડયા છે, જે કુમારગ્રામ, માહણકુંડગ્રામ, બ્રાહ્મણકુંડગ્રામ, મોરાક વિગેરે પ્રાચીન સ્થળોની યાદ અપાવે છે.
તળેટીમાં બે મંદિર છે, જેમને ચ્યવન અને દીક્ષા કલ્યાણક સ્થળોથી ઓળખવામાં આવે છે.
વિશિષ્ટતા: વર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના ચ્યવન, જન્મ અને દિક્ષા આદિ ત્રણ કલ્યાણક આ પવિત્ર ભૂમિમાં હોવાથી અહીંની વિશેષતા મહાન છે. પ્રભુએ પોતાના જીવનકાળના ત્રીસ વર્ષ આ પવિત્રભૂમિમાં વ્યતિત કર્યાં એટલે એ સ્થળની મહત્તાનું વર્ણન ક્યા શબ્દોમાં થઈ શકે.
અહીનું જન્મસ્થાનનું મંદિર જ નહીં, પણ આ પવિત્ર ભૂમિનો કણેકણ પવિત્ર અને વંદનીય છે આજે પણ અહીનું શાંત અને શીતળ વાતાવરણ માનવના હ્રદયમાં ભક્તિનું સોત વહેવડાવે છે. અહીં પહોંચતા જ મનુષ્ય સાંસારિક અને વ્યવહરિક બઘું જ વાતાવરણ ભૂલી જઈ પ્રભુભક્તિમાં લીન થઈ જાય છે. આ જ પવિત્ર ભૂમિમાં પ્રભુની આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણની ભાવના પ્રબળતાથી ઉત્તેજીત થઈ હતી. કહેવાય છે કે એ સમયે સ્થળે સ્થળે ચવનો વગેરેનું જોર વધતું જતું હતું. ધર્મના નામે નિર્દોષ જીવોનું બલિદાન આપવામાં આવતું હતું. નારીને દાસી સમજવામાં આવતી હતી. દાસ-દાસીઓની પ્રથા જોર પકડતી હતી. નિર્બળ નરનારીઓને દાસદાસીઓના રૂપમાં ખુલ્લા બજારમાં વેચવામાં આવતા હતા. જેમની પાસે વધારે દાસદાસીઓ હોય એ પુણ્યશાળી ગણાતાં. પ્રભુનો આત્મા આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ માટે ઉત્તેજીત થયો. ભાવનાને સાકાર કરવાનો નિશ્ચય કરી રાજસુખનો ત્યાગ કરી, દીક્ષા લઈને આત્મધ્યાનમાં લીન થઈ ગયા. અનેક પ્રકારના અતિકઠિન ઉપસર્ગ સહન કરી પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રભુએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને મહાન ધર્મ જ નહીં, પરંતુ માનવધર્મ બતાવ્યો. જેના અનુકરણ માત્રથી જ આત્માને શાંતિ મળી શકે છે. આજના યુગમાં પણ માનવસમાજ આ તત્ત્વોના અનુકરણની આવશ્યકતા અનુભવી રહ્યો છે. પ્રભુએ નારીને પણ ધર્મપ્રચાર કરવાનો અધિકાર આપ્યો. પ્રભુએ જાતિભેદનો તિરસ્કાર કર્યો અને વિશ્વના દરેક જીવજંતુ પ્રત્યે કરુણાનો ઉપદેશ આપ્યો. આ બધું શ્રેય આ પવિત્ર ભૂમિને છે, જયાં આપણા પ્રભુનો જન્મ થયો અને એમની અસીમ કૃપાને લીધે જ આજે જૈન સમાજ ગૌરવપૂર્વક વિશ્વના એક મહાન ધર્મના ધર્માવલંબી હોવાનો દાવો કરી શકે છે. ભગવાન મહાવીરની વાણી આજે પણ દરેક માનવસમાજ, પણું, પક્ષી વગેરે માટે કલ્યાણકારી છે અને હંમેશને માટે કલ્યાણકારી બની રહેશે.
બીજા મંદિરો # હાલમાં ક્ષત્રિયકુંડ પહાડ પર આ જ એક મંદિર છે. તળેટીકુંડ ઘાટમાં બે નાના મંદિરો છે, જ્યાં વીર પ્રભુની પ્રતિમાઓ વિરાજીત છે. આ સ્થાનોને ચ્યવન અને દીક્ષા કલ્યાણક સ્થાનોના નામથી ઓળખવામાં આવે છે. લછવાડમાં એક મંદિર છે. આ બધા મંદિરો શ્વેતાંબર છે.
કલા અને સૌંદર્ય # અહીં પ્રભુ વીરની પ્રાચીન પ્રસન્ન ચિત્ત પ્રતિમા ઘણી કલાત્મક અને દર્શનીય છે. પ્રતિમાના દર્શન માત્રથી માનવની આત્મા પ્રફુલ્લિત થઈ ઊઠે છે. તળેટીથી લગભગ ૫ કિ. મી. પહાડ પરનું પ્રાકૃતિક દૃશ્ય ઘણું જ મનોરંજક છે.
માર્ગ દર્શન: નજીકના રેલ્વે સ્ટેશન- લખીસરાય, જમુઈ તથા કિયુલ આ ત્રણેય લછવાડથી લગભગ ત્રીસ કિ.મી. છે. આ સ્થાનોએથી બસ તથા ટેકસીની સગવડતા છે.સિકંદરાથી લછવાડ લગભગ ૧૦ કિ.મી છે.
અહીં પણ બસ તથા ટેકસીની સગવડતા છે. લછવાડથીતળેટી (કુંડઘાટ) ૫ કિ.મી. તથા તલેટીથી ક્ષત્રિયકુંડ ૫ કિ.મી. છે. લછવાડમાં ધર્મશાળા છે તથા ત્યાં સુધી પાકો રસ્તો છે.
આગળ તળેટી સુધી પણ રસ્તો છે. જેના પર કાર તથા બસ જઈ શકે છે. તળેટીથી પહાડ પર ૫ કિ.મી. પગપાળા જવું પડે છે. લછવાડ ધર્મશાળાથી બસ સ્ટેન્ડ ૦.૫ કિ.મી. छे
સગવડતા: લછવાડમાં રહેવા માટે મોટી ધર્મશાળા છે. અહીં વિજળી, પાણી, જનરેટર ઓઢવા- પાથરવાના વસ્ત્રો તથા ભોજનશાળાની સગવડતા છે. પહાડ પર પાણીની સારી સગવડતા છે.

પેઢી: શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી, પોસ્ટ : લછવાડ-૮૧૫ ૩૧૫, જીલા : જમુઈ, પ્રાંત : બિહાર, ફોન : ૦૬૩૪૫-૨૨૩૬૧