Ep-15: શ્રી દિયાણા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, પંચતીર્થી ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, લગભગ ૯૦ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થ સ્થળ: સરૂપગંજથી ૧૭ કિ.મી. દૂર ગીયા જંગલમાં ટેકરીઓ વચ્ચે.
પ્રાચીનતા: આ તીર્થસ્થાન ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના સમયનું છે એમ મનાય છે. અહીં લોક પ્રસિદ્ધ કહેવત છે “નાણા દિયાણા નાન્દિયા જીવિત સ્વામી વાન્દિયા”, આ પ્રતિમા પણ પ્રભુવીરના સમયની મનાય છે. કહેવાય છે કે ભગવાન મહાવીર અહીં વિચર્યા ત્યારે કાઉસગ્ગ ધ્યાનમાં અત્રે રહ્યા હતા. તથા તેમના ભાઈ નન્દિવર્ધને અહીં બાવન જીનાલય ભવ્ય મંદિરનું નિર્માણ કરાવી આ પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી હતી.
પ્રભુ પ્રતિમાની કલાથી જ આની પ્રાચીનતા સિદ્ધ થાય છે. આ તીર્થનો અનેકવાર જીર્ણોદ્ધાર થયો હશે.
કોઈક સમયે આ વિરાટ નગરી હશે. આજે ભયાનક જંગલમાં રમ્ય ટેકરીઓની મધ્યે કેવળ આ મંદિર પ્રાચીનતાનું સ્મરણ કરાવે છે.
અહીં પ્રાચીન પટ તથા વાવડિયો ઉપર તેરમી અને ચૌદમી સદીના લેખો કોતરેલ છે. સંવત ૧૪૩૬ પોષ સુદ ૬ ગુરુવારના દિવસે અહીં શ્રી પાર્શ્વનાથ ચરિત્રની રચના કરી તેનો ઉલ્લેખ મળે છે.
વિશિષ્ટતા: આ તીર્થસ્થાન પ્રભુવીરના સમયનું મનાય છે. તેથી આ તીર્થની મહાન વિશેષતા છે. આ તીર્થ છોટી મારવાડના પંચતીર્થમાંનું એક મનાય છે. આ શૈલીનું આટલું પ્રાચીન, એકાંત જંગલમાં શાંત અને સાત્વિક વાતાવરણથી ભરેલ, શહેરથી દૂર આવું તીર્થસ્થાન અન્યત્ર ઓછું જોવા મળે છે. દર વર્ષે જેઠ શુકલા બીજના દિવસે ઘજા ચઢાવવામાં આવે છે.
બીજાં મંદિરો: આ સિવાય અહીં બીજું કોઈ મંદિર નથી.
કલા અને સૌંદર્ય: અહીંના પ્રાકૃતિક સૌંદર્યનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. ત્રણે બાજુ પહાડોની વચ્ચે સુરમ્ય જંગલમાં સંધ્યા અને રાત્રિનું વાતાવરણ મનને પ્રફુલ્લિત કરે છે. એમ લાગે છે જાણે કોઈ દિવ્ય લોકમાં આવ્યા છીએ. રાત્રે જંગલી પશુઓના અવાજો સંભળાય છે. જાણે આ પશુઓ પણ પ્રભુના નામનું સ્મરણ કરે છે. પ્રભુ પ્રતિમા અતિ મનમોહક છે. લાગે છે કે પ્રભુવીર ગંભીર ને શાંત મુદ્રામાં સાક્ષાત્ વિરાજમાન છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન સ્વરૂપગંજ ૧૭ કિ.મી. દૂર છે. પેઢી તરફથી સ્વરૂપગંજ (મહાવીર ભવન) માં પણ જીપની વ્યવસ્થા છે. મંદિર સુધી પાકો રસ્તો છે.
સગવડતા: રહેવા માટે મંદિરના પરિસરમાં જ ધર્મશાળા છે. અહીં પાણી, વીજળી, વાસણ, ગાદલા-ગોદડાં તથા ભોજનશાળાની સગવડતા છે.

પેઢી: શ્રી દિયાણજી જીવિત સ્વામીજી પેઢી, પોસ્ટ દિયાણ : ૩૦૭ ૦૨૩, સ્ટેશન સ્વરૂપગંજ,
જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન, ફોન : ૦૨૯૭૧- પ૭૪૩૬, મુખ્ય પેઢી : ફોન : ૦૨૯૭૧-૪૨૫૭૪.સ્વરૂપગંજ