Ep-8: પ્રથમ સાધનાકાળ
જ્ઞાતખંડ ઉદ્યાનમાં પાંચ મહાવ્રતો ઉચ્ચરી દીક્ષાની સાંજે જ ભગવાન મહાવીરે પોતાના સાધનાના માર્ગ પર કદમ આગળ વધાર્યા. મોટાભાઈ નંદીવર્ધન સહિત આખા ક્ષત્રિયકુંડની જનતાએ ભારેખમ હૈયે ભગવાનને વિદાય આપી. ભગવાન આગળ વધ્યા. ભગવાન મહાવીરની સાધના એક જ ધરી પર હતી : આ સ્થૂલકાયા એ મારું વાસ્તવિક અસ્તત્વ નથી. મારું વાસ્તવિક અસ્તત્વ છે, મારો આત્મા. તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે.
કાયા તો એને વળગેલું બંધન છે. એ બંધન એમ ને એમ તો સર્જાય નહીં. એ બંધનના મૂળમાં છે, સંસારના પદાર્થોની મમતા અને એના દ્વારા મારા આત્માને વળગેલા કર્મો. એ તોડવાનો ઉપાય છે : દેહની પણ મમતા તોડવી. એ તૂટે છે ખુદમાં મસ્ત રહેવાથી. બસ, આ જ ભગવાન મહાવીરની સાધનાનું રહસ્ય હતું. તેઓ દિવસ અને રાત્રિના મળીને લગભગ ૨૧ કલાક જેટલો સમય તો સ્વયંની મસ્તીમાં મહાલતા. બાકીના ૩ કલાકના સમયમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવારૂપ વિહાર, પારણાનો દિવસ હોય તો આહાર વગેરે કરતા. ભગવાન મહાવીર શ્રમણ બન્યા તે પછી વિવિધ પ્રકારના લોકો એમના સંપર્કમાં આવ્યા. કોઈને એમના પ્રત્યે ભક્ત ઉભરાઈ તો કોઈને એમના પ્રત્યે દ્રેષ ઉછળ્યો. ભગવાન બધાને સમાન નજરે જોતા.
મહાવીરપ્રભુના અંતરની આ ઉંચાઈને કારણે એમના મુખ પર જે તેજ રેલાતું એ જોઈ તટસ્થ લોકોએ પણ એક સરસ મજેનું સંબોધન ઘડી દીધેલું : દેવાર્ય. દેવાર્ય જે સંપર્કમાં આવે તેને પોતાની કરુણાથી ભીંજવતા. અરે! કોકવાર તો માત્ર મનુષ્યો જ નહીં, પ્રાણીસૃષ્ટના સાપ જેવા પ્રાણીઓ પણ દેવાર્યની કરુણાનું પાત્ર બની જતા. એક જાણીતો પ્રસંગ છે. દેવાર્ય શ્વેતવી નગરી તરફ જતા હતા. ગોવાળોએ તે જોઈ દેવાર્યને વિનંતી કરી : દેવાર્ય, આ રસ્તો જો કે છે ટૂંકો પણ જોખમી છે. ત્યાં એક ભયંકર સાપ રહે છે. તેની નજરમાં પણ ઝેર છે. માટે આપ બીજા રસ્તે જાઓ.
દેવાર્યને તો પોતાના જવાથી એ ભયાનક સાપનો ઉદ્ધાર દેખાયો. દેવાર્ય ગયા. સાપે એમને ડંખ દીધા. દેવાર્ય ધ્યાનમાં નિશ્ચલ હતા. સાપનો ગુસ્સો શાંત થયો. દેવાર્ય એટલું જ બોલ્યા : ચંડકૌશિક, બોધ પામ’ આ ચંડકૌશિક શબ્દ ચાહીને બોલાયેલો. જાણે એના જાદુથી સાપને ભૂતકાળ યાદ આવ્યો. એનું જીવન બદલાઈ ગયું.