Ep-2: વિનોબા ભાવે
તમે એક દૃશ્ય સામે રાખો કે - એક મહાપુરુષ ઊભા છે. તેમના દેહ પર વસ્ત્ર નથી. તેમનું અતઃકરણ દયાથી પરિપૂર્ણ છે. અસંખ્ય જીવજંતુ તેમના શરીર પર ઉપર બેસી ડંખ મારી રહ્યા છે, તો પણ તેમને અંશ માત્ર ક્રોધ થતો નથી. અરે ! દુઃખની કોઈ વેદના નથી : આનું નામ જ મહાવીર છે. મહાવીર બનવું એ સાધારણ વાત નથી. ડરપોક અને કમજોર આદમી મહાવીર ન બની શકે. જે વીર હોય તે જ આગળ વધી મહાવીર થઈ શકે છે. મહાવીરસ્વામી ઘણા જ શાંત-સ્વસ્થ હતા. તેમના ચિત્તને વ્યગ્રતા સ્પર્શતી નહોતી. ભગવાન મહાવીરસ્વામી અનાગ્રહી હતા. તેઓ કહેતા કે વિશ્વમાં ભિન્ન-ભિન્ન પ્રકારના જેટલા વિચારો છે, તેનો પ્રતિકાર કરવાને બદલે તેમાં જે સત્યનો અંશ છે એને ગ્રહણ કરવો જોઈએ. ભગવાન મહાવીરસ્વામીનો આ ખૂબ વિશાળ વિચાર છે, જેનાથી તેઓ અહિંસાની ઊંડાઈ સુધી પહોંચી શક્યા. અન્ય કોઈ વ્યક્તિ આટલી ઊંડાઈએ નથી પહોંચી. ભગવાન મહાવીરસ્વામીએ ભારતદેશને જે ઉપદેશ આપ્યો, તેને ભારત દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.