Ep-13: શ્રી નાંદિયા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ, પંચતીર્થી, ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, પરિકર સહિત લગભગ ૨૧૦ સેં.મી. (શ્વે.મંદિર)
તીર્થ સ્થળ: નાન્દિયા ગામની બહાર આવેલા સુંદર વનોથી છવાયેલા પહાડોની વચ્ચે.
પ્રાચીનતા: આનાં પ્રાચીન નામ નાન્દિગ્રામ, નન્દિવર્ધનપુર, નન્દિપુર વગેરે હતાં. ભગવાન મહાવીરના જજ્યેષ્ઠ બંધુ શ્રી નન્દિવર્ધને આ ગામ વસાવેલું એવી દંતકથા પ્રચલિત છે, એમ પણ કહેવામાં આવે છે કે આ મૂર્તિ પ્રભુવીરના સમયની છે આની એક કહેવત પણ ઘણી જ પ્રચલિત છે. “નાણા દિયાણા નાન્દિયા જીવિત સ્વામી વાન્દિયા." આ મંદિરમાં સ્થંભો અને બીજે કોતરેલા વિ.સં. ૧૧૩૦ તી ૧૨૧૦ સુધીના શિલાલેખો પરથી આ મંદિરની પ્રાચીનતા સિદ્ધ થાય છે. આને પહેલાં ‘નન્દિયક ચૈત્ય” પણ કહેતા હતા. વિ.સં. ૧૧૩૦માં નન્દિયક ચૈત્યમાં (વાવ) વાવડી ખોદાવ્યાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૨૦૧માં આનો જીર્ણોદ્વાર કરાવ્યાનો પણ ઉલ્લેખ મળી આવે છે. કાળક્રમથી દરેક તીર્થનો જુદા જુદા સમયે ઉદ્ધાર થાય છે જ, એવી જ રીતે આ તીર્થનો પણ ઘણી વાર ઉદ્ધાર થયો હશે.
વિશિષ્ટતા: પ્રભુવીરના સમયની એમની પ્રતિમાઓ બહુ જ થોડી જગ્યાએ છે, જેને જીવિત સ્વામી કહે છે, એમાં પણ આવી સુંદર અને મનમોહક મૂર્તિ બીજે કયાંય નથી. શ્રી નન્દિવર્ધને વસાવેલા ગામમાં આ પ્રાચીન મંદિરને નન્દિશ્વર ચૈત્ય પણ કહે છે. આ મંદિરની પાસે આવેલી ટેકરી પર એક દેરી છે. જેમાં શિલા પર પ્રભુના ચરણ અને સાપની આકૃતિ કોતરેલી છે. ભક્તોની માન્યતા મુજબ પ્રભુવીરે ચન્ડકોશક સર્પને અહીંયા જ પ્રતિબોધ આપ્યો હતો. આ શીલા પર પ્રાચીન લેખો પણ કોતરેલા છે, જેના અન્વેષણની આવશ્યકતા છે. આચાર્ય ભગવંત સાહિત્ય શિરોમણી વિજય શ્રી પ્રેમસુરિશ્વરજી મ.સા. ની આ જન્મભૂમિ છે.
વિશ્વ વિખ્યાત રાણકપુર તીર્થના નિર્માતા શેઠ શ્રી ઘરણાશાહ અને રત્નાશાહ પણ આ નગરના રહેવાસી હતા. આ નગરમાં સદીઓ સુધી જાહોજલાલી રહી હતી.
બીજાં મંદિરો: ગામમાં બે જૈન મંદિરો તથા એક ગુરુ મંદિર છે.
કલા અને સૌંદર્ય: પ્રભુવીરના સમયની આટલી તેજસ્વી અને કલાત્મક પરિકરયુક્ત પ્રતિમાનાં દર્શન બીજે દુર્લભ છે. લાગે છે કે જાણે વીરપ્રભુ સાક્ષાત્ બિરાજેલા છે. આ બાવન જિનાલય મંદિરની બધી જ મૂર્તિઓની કલાનું વર્ણન જેટલું કરીએ એટલું ઓછું છે. આ સાથે અહીંનું કુદરતી દશ્ય પણ મનલોભાવે તેવું છે.
દૂરથી જોતાં જંગલમાં આવેલા શિખર સમૂહોનું દસ્ય દિવ્યનગરી જેવું લાગે છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી રોડ ૧૦ કિ.મી. દૂર છે. અહીંથી આબુ રોડ માર્ગ પર કોજરા થઈને આવવું પડે છે. નજીકનું મોટું શહેર સિરોહી ૨૪ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. નાંદિયા તીર્થથી બામનવાડજી દ કિ.મી. તથા લોટાણા તીર્થ ૫ કિ.મી. દૂર છે. બસ સ્ટેન્ડથી મંદિર ૦.૫ કિ.મી. દૂર છે.
સગવડતા: ગામમાં રહેવા માટે ધર્મશાળા છે. અહીં ભોજનશાળા સહિત બધી જ સગવડતા છે.

પેઢી: શ્રી જૈન દેવસ્થાન પેઢી, પોસ્ટ : નાંદિયા - ૩૦૭ ૦૪ર., જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન. ફોન : ૦૨૯૭૧-૩૩૪૧૬ (પી.પી.)