Ep-9: બીજું સાધનાકાળ
જૈન શાસ્ત્રો એવું કહે છે કે વૈશ્વિક નિયમો એને જ કહેવાય જે બધાને લાગુ પડે. ભગવાન બનનારા આત્મા પણ એમાંથી બાકાત નથી હોતા. આત્મા પર પાપ કરવાના કારણે ચોંટેલા કર્મને જો પ્રાયશ્ચિત વગેરેથી નબળુ ન પાડવામાં આવે તો બધાએ ભોગવવું જ પડે, ચાહે એ ભગવાનનો આત્મા હોય તો પણ. દેવાર્યને પણ પોતાના સાડાબાર વર્ષમાં જૂના કર્મોને કારણે ઘણા બહારના કષ્ટો આવ્યા પણ દેવાર્યના જીવનની કમાલ ત્યાં હતી કે એ એક પણ કષ્ટ એમના મેરુ પર્વત જેવા અચળ મનને વિચલિત કરી શક્યા નહીં. ‘બહારની પરિસ્થતિ સામે સંઘર્ષ નહીં, પણ સહજ સ્વીકાર. અને અંદરની મન: સ્થતિને ઉંચી લઈ જવા સાધના’ આ દેવાર્યનું સૂત્ર હતું.
શરીર ટકાવવા અનિવાર્ય હોય ત્યારે જ ને પારણાનો જે દિવસ હોય તે દિવસમાં એક જ વાર દેવાર્ય ગોચરી (ભિક્ષાભોજન) લેતા. એમાં કોકવાર ગોવાળણી પણ ખીર જેવું ઉત્તમ ભોજન ધરતી તો કોકવાર શેઠિયાના ઘરે પણ માત્ર અડદના બાકળા ધરાતા. જ્યારે જે મળ્યું તે, પોતાની સાધનામાં બાધક ન હોય એ બધુંય દેવાર્યને સ્વીકાર્ય હતું. એક ઘટના આશ્ચર્યકારી બની. એ ઘટનામાં દેવાર્યના શરીરને સૌથી વધારે કષ્ટ પડેલું ને તેમ છતાં એ કષ્ટમાં નિમિત્ત બનનારાઓની દિલની ભાવના સારી હતી!
વાત એમ બની કે એક ગોવાળે ધ્યાનમાં રહેલા દેવાર્યને પોતાના બળદને ધ્યાન રાખવા ભળાવ્યા ને ગોવાળ ક્યાંક ગયો. દેવાર્ય તો પોતાના ધ્યાનમાં હતા, બળદોનું ધ્યાન કોણ રાખે? એ તો ગયા વનમાં, ગોવાળ કામ પતાવી પાછો આવ્યો. પૂછ્યું, ક્યાં છે મારા બળદો? જવાબ કોણ આપે? ગોવાળને કાળ ચડ્યો. ‘તારે કાન છે કે બાકોરાં?’ આવા ગુસ્સાભર્યા વેણ કાઢી એણે બે શૂળ બે કાનમાં ઘુસાડી દીધી. બહારનો ભાગ આપી નાંખ્યો. દેવાર્ય એક વણિકને ત્યાં ગોચરી ગયા. ત્યા ઘરમાં વણિકનો એક મિત્ર વૈદ્ય પણ હાજર હતો. તેને ચહેરો જોતા જ અંદર રહેલા શલ્યનો અંદાજ આવ્યો. દેવાર્ય તો ગોચરી પતાવી નીકળી ગયા. વૈદ્યે મિત્રને વાત કરી. બંને ઉદ્યાનમાં જ્યાં દેવાર્ય હતા ત્યાં આવ્યા. દેવાર્યના શરીરનું શલ્ય દૂર કરવાના શુભભાવથી બંનેએ જરૂરી પ્રક્રિયા કરી એ શૂળ ખેંચી કાઢી. તે ક્ષણે દેવાર્યના શરીરને અપાર કષ્ટ પડ્યું. વેદનાએ જ જાણે પીડાથી ચીસ પાડી. બસ અહિં કષ્ટોની ટોચ અને અંત બંને હતું.