Ep-23: જર્મન વિદુષી મિસ શાર્લોટ ક્રાઉઝે (ઉર્ફે સુભદ્રાદેવી)
વિશ્વ પ્રસિદ્ધ ચિંતક ‘જ્યોર્જ બર્નાડ શો' નુ એક પ્રસિદ્ધ વાક્ય છે - “જૈન ધર્મના સિદ્ધાન્તો મને ખૂબ જ ગમે છે. જો પુનર્જન્મ હોય, તો મૃત્યુ પછી મારો જન્મ જૈન કુટુંબમાં થાય એમ હુ ઈચ્છું છું.” સામાન્ય વ્યક્તિને આવું વાક્ય વાચતાની સાથે જ પ્રશ્ન થાય છે, “બટ વ્હાય ? જૈનીઝમ ઓન્લી ? એવું તો વળી એમા શું છે ?” વેલ, આ પ્રશ્નનો પૂરો જવાબ તો ત્યારે મળી શકે, જ્યારે, એટ લીસ્ટ, જૈન ધર્મનુ એટલું અધ્યયન થઈ જાય, જેટલું 'જ્યોર્જ બર્નાડ શો’ એ કર્યું હતું. અહીં પ્રસ્તુત છે. એક જર્મન સ્કોલરનો અનુભવ. આશા છે એનાથી એ ઉત્તર મળવાની શરૂઆત તો થઈ જ જશે. "જિજ્ઞાસાની દૃષ્ટિથી હિંદુસ્તાનના ધર્મોના અભ્યાસમાં મેં ઊંડો રસ લેવો શરૂ કર્યો, હિંદુસ્તાનના બધા ધર્મોમાં શ્રી મહાવીરસ્વામીએ પ્રરૂપેલો ધર્મ સર્વોત્કૃષ્ટ હોય, એવો મારા અંતરના ઊંડાણમાંથી સતત અવાજ આવ્યો કરે છે. જૈન ધર્મ એક એવો ધર્મ છે, કે જે જીવમાત્રને આ સંસારના દુઃખમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે, એમ મેં સાંભળ્યું હતું. મારા એ સંસ્કાર દિન પ્રતિદિન વધુ સબળ બનતા ગયા અને એ દર્શનનો અભ્યાસ કરવા હું ભારત આવી. અહીં આવ્યા પછી મને ખાતરી થઈ છે કે મહાવીરસ્વામીનો ધર્મ માત્ર નિયમોમાં કે ગ્રંથોમાં જ નહીં, પણ આચાર, વિચાર અને વિધિ વગેરેમાં પણ તેનો મહિમા પ્રત્યક્ષપણે પ્રગટેલો જોઈ શકાય છે. આત્મશાંતિ અને આત્મસંતોષ મેળવવા મથનારાઓ માટે જૈન ધર્મ એ એક ધોરી માર્ગ છે. બીજાઓને બને એટલું ઓછું દુઃખ આપવું, બીજાઓનુ બને એટલું કલ્યાણ કરવું, એ જ જૈન ધર્મનો ઉત્કૃષ્ટ સાર હોય, એમ હું જોઈ શકી છું. પોતાના સુખ અને સગવડને તિલાંજલી આપીને પારકાની ચિંતા કરવાનું નાવું સ્પષ્ટ વિધાન એ જ જૈન ધર્મની સર્વોપરિ ઉત્કૃષ્ટતા છે, એમ હું માનું -. એ ઉત્કૃષ્ટતાથી પ્રેરાઈને જ જૈન ધર્મ અંગીકાર કરવા હું તૈયાર છું."