Ep-4: વર્ધમાનકુંવરની વીરતા
એક વખતની વાત છે. વર્ધમાનકુંવર અને મિત્રો આમળીના ઝાડ નીચે રમત રમી રહ્યા હતા તે વખતે દેવરાજ ઇન્દ્રે પોતાની દેવસભામાં વર્ધમાનકુંવરની નીડરતાના બે મોંઢે વખાણ કર્યા. આ સાંભળીને એક દેવને થયું લાવ, પરીક્ષા તો કરું. ખરેખર વર્ધમાનકુંવરમાં આ ઇન્દ્ર કહે છે એવી નિર્ભયતા છે કે નહીં? એણે કાળોતરા નાગનું રૂપ લીધું. એ નાગ કુંવરો જ્યાં રમતા હતા તે ઝાડની ફરતે વીંટળાઈ વળ્યો. બાકીના બાળકો તો ડરીને નાસભાગ કરવા લાગ્યા જ્યારે વર્ધમાનકુંવર તો સ્હેજ પણ ડર્યા નહીં. પોતાના મિત્રોનું રક્ષણ કરવાનું કર્તવ્ય સમજી તેમણે નિર્ભયપણે સર્પને ઉંચકીને દૂર ફંગોળી દીધો.
મિત્રો હરખભેર પાછા આવ્યા. ફરી રમત ચાલી. તેમાં એ જ દેવ બાળકનું રૂપ લઈ ભળી ગયો. રમતમાં વર્ધમાનકુંવર સામે હારી જઈ નક્કી થયા મુજબ પોતાની પીઠ પર તેમને બેસાડ્યા. તે પછી તેમને ડરાવવા પોતાનું શરીર ડરામણું ને દસ માળના મકાન જેટલું ઉંચું કર્યું. એ વખતે વર્ધમાનકુંવરે એક જ મુઠ્ઠીના પ્રહારથી એ દેવની શાન ઠેકાણે લાવી દીધી.
દેવ તો આ વીરતા જોઈ આભો જ બની ગયો. તેણે કુંવરને નમસ્કાર કર્યા ને કહ્યું, ‘તમે ખરેખર મહાવીર છો’ એ પ્રસંગથી વર્ધમાનકુંવરનુ નામ ‘મહાવીર’ પડ્યું ને પ્રસિદ્ધ થઈ ગયું. આવી વીરતાના માલિક એવા પણ મહાવીરપ્રભુએ પોતાના જીવનમાં ક્યારેય કોઈના દમનનો માર્ગ અપનાવ્યો નથી. તેમણે હમેંશા પોતાની ઈન્દ્રિયો અને મન પર વિજય મેળવવા પર ભાર મૂક્યો છે. કારણ કે ઈન્દ્રિયો અને મનને જીતવું એ જ ખરેખરી જીત છે. યુદ્ધોમાં મેળવાયેલી જીત એ માત્ર કહેવાતી જીત છે. આવું હતું આપણા ભગવાન મહાવીરનું બાળપણ!