Ep-27: શ્રી થરાદ તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુક્ત ]
તીર્થાધિરાજ: શ્રી આદીશ્વર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: થરાદ ગામના મોટા દેરાસરના મહોલ્લામાં.

પ્રાચીનતા: આ નગરીનાં પ્રાચીન નામ થિરપુર, થિરાદી, થરાદ્ર, થિરાપદ્ર વગેરે હતાં. આ ગામ થિરપાલ ઘરુએ વિ.સં. ૧૦૧માં વસાવ્યું હતું તથા તેમની બહેન હરકુએ ૧૪૪૪ સ્તંભયુક્ત વિશાળ ગગનચુંબી બાવન જિનાલય બંધાવ્યાનો ઉલ્લેખ છે.
કહેવાય છે કે હાલ વાવમાં રહેલી શ્રી અજિતનાથ ભગવાનની પદ્માસનસ્થ ૭૮ સે.મી. ઊંચી અલૌકિક ધાતુ પ્રતિમા મુસલમાનો ના રાજયકાળમાં આક્રમણકારોના ભયથી અહીંથી વાવમાં ખસેડવામાં આવી હતી. પ્રતિમા વિ.સં. ૧૩૬ અષાઢ વદ અમાસના દિવસે આ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી એવો ઉલ્લેખ મળી આવે છે.
કુમારપાળ રાજાએ અહીં “કુમાર વિહાર" મંદિર બંઘાવ્યાનો ઉલ્લેખ છે. તેરમી સદીમાં શ્રેષ્ઠી આહલાદન દંડનાયકે અહીં શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાન, સીમંધર સ્વામી, અંબિકાદેવી, ભારતીદેવી વગેરે પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે.
ચૌદમી સદીમાં ઉપાધ્યાય શ્રી વિનયપ્રભવિજયજી રચિત 'તીર્થમાળા” માં અહીંનો ઉલ્લેખ છે.
સં. ૧૩૪૦માં માંડવગઢના મંત્રી ઝાંઝણશાહ જયારે શત્રુંજયગિરિ સંઘ લઈને ગયા ત્યારે અહીંની શ્રીમાળ જાતિના શ્રેષ્ઠી શ્રી આભુ પણ સંઘ લઈને ત્યાં પહોંચ્યા હતા. શ્રેષ્ઠી શ્રી આભુએ "પશ્ચિમ માંડલિક' અને તેમના સંઘને "લઘુ કાશ્મીર" ની ઉપાધિ એનાયત થઈ હતી.
એક જમાનામાં આ એક વિરાટ નગરી હતી. જયાં હજારો સુસંપન્ન શ્રાવકોનાં ઘર હતાં. તેમણે સ્થળે સ્થળે ધર્મઉત્થાનનાં કાર્યો કર્યા, જે ઉલ્લેખનીય છે.
વિશિષ્ટતા: આ મંદિર વિક્રમની પહેલી શતાબ્દીમાં રાજા થિરપાલ ધરુની બહેને બંધાવ્યું હતું. તેમના વંશજોએ જૈન ધર્મના પ્રભાવ માટે ઘણાં સુંદર કાર્યો કર્યા હતાં.
આચાર્ય શ્રી વટેશ્વરસૂરીશ્વરજીએ થિરાપદગચચ્છની સ્થાપના અહીં કરેલ હતી.
સં. ૧૩૪૦માં અહીંના શ્રેષ્ઠી શ્રી આભુએ કાઢેલો શત્રુંજય તીર્થયાત્રા સંઘ લોકોમાં ઘણો પ્રચલિત છે.
બીજા મંદિરો # હાલમાં અહીં આ સિવાય ૧૦ બીજા મંદિરો છે.
કલા અને સૌંદર્ય: અહીંના મંદિરોમાં અનેક પ્રાચીન કલાત્મક પ્રતિમાઓનાં દર્શન થાય છે.

માર્ગદર્શન: નજીકનું રેલ્વે સ્ટેશન ડીસા લગભગ ૫૫ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. નજીકનું ગામ મોરોલ રર કિ.મી. દૂર છે. મંદિર સુધી કાર તથા બસ જઈ શકે છે. અહીંથી અમદાવાદ, મુંબઈ, વડોદરા તથા રાજકોટ વગેરે સ્થાનો માટે બસની સગવડતા છે. ગામમાં ટેક્ષી તથા ઓટો ની પણ સગવડતા છે.
સગવડતા: હાલમાં રહેવા માટે વિશાળ ધર્મશાળા છે. અહીં વીજળી, પાણી, વાસણ, ગાદલાં, ગોદડાં તથા ભોજનશાળાની સગવડતા છે.
પેઢી: શ્રી થરાદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ મેઈન બજાર, પોસ્ટ : થરાદ ૩૮૫ ૫૬૫