Ep-4: મહાત્મા ભગવાનદીનજી
ભરજુવાનીમાં ભરચક વૈભવ અને સમૃદ્ધિથી પરસંસારનો ત્યાગ કરી દેવો એ મોટી વાત છે એ ગુણ વર્ધમાનકુમારમાં હતો, પણ જરા ઊંu ઊતરીએ તો ભગવાન મહાવીરના હૃદયમાં જે આગ ભભૂકતી હતી તેની પાસે એ ત્યાગ નાની વસ્તુ બની જાય છે. રાજપાટ છોડીને ચાલી નીકળવાનું એમને કોઈ સબળ કારણ ન હતું. એટલે એમ માનવું પડે છે કે રાજપાટના ત્યાગ પાછળ કોઈ જમ્બર સિદ્ધાંતનું બળ જરૂર હોવું જોઈએ. વીરપુરુષો ગુસ્સામાં આવીને કોઈ કામ નથી કરી નાખતા. રાજપાટનો ત્યાગ કરી નાખવો એ સામાન્ય વાત છે, પણ એ ત્યાગ નિભાવી રાખવો બહુ મુશ્કેલ છે, તો જ એ ત્યાગ નભે. વળી, અહીં જે સિદ્ધાંતની વાત કરી તે કંઈ એકદમ અધ્ધરથી ટપકી પડતો નથી. સિદ્ધાંત વિકાસ માગે છે. સિદ્ધાંત જીવનનો જ એક ભાગ બની જવો જોઈએ. ત્યાગ પહેલાના વર્ષોમાં ભગવાન મહાવીરે કેટકેટલું મનોમંથન કર્યુ હશે? કેટકેટલાની ભ્રાંતિઓ ભાગી હશે ? કેટકેટલી નાની-મોટી મુશ્કેલીઓ વેઠી હશે ? અને એ સિદ્ધાંતને પોષવા કેટલું ધૈર્ય દાખવ્યું હશે ? ત્યાગના માર્ગે પગલા માંડનાર મહાવીરને માર્ગ સાફ કરતાં કેટલી વિટંબણા વેઠવી પડી હશે ? સૌનાં સ્નેહબંધનો સ્વીકારવાં, પણ વખત આવ્યે એ બંધનોની ગાંઠ ઢીલી કરીને ચાલી નીકળવુ એ શું જેવી તેવી તપસ્યા છે ? બધા લૂગડા પહેરીને પાણીમાં ડૂબકી મારો, પણ બહાર નીકળો ત્યારે એક પણ લૂગડ ભીંજાયેલું ન હોવું જોઈએ, એના જેવી આ વાત છે. ભગવાન મહાવીરે સંસારસાગરમાં ડૂબકી તો મારી, પણ એમણે પોતાના એકે વસ્ત્રને ભીંજાવા ન દીધું : કોરે કપડે એ સંસારમાંથી ચાલી નીકળ્યા.