Ep-7: વરસીદાન દીક્ષા
‘જેને જે જોઈતું હોય તે લેવા પધારો. આપણા નગરના રાજકુમાર વર્ધમાન બધું જ આપવા તૈયાર છે, આપી રહ્યા છે.’ આખા ક્ષત્રિયકુંડનગરમાં ને આસપાસનાં પ્રદેશોમાં રાજા નંદીવર્ધને નિમેલા માણસો ઘોષણા કરી રહ્યા છે. આવી ઘોષણા સાંભળીને લોકો ચોંકી ઉઠે છે. દોડી દોડીને રાજમહેલની બહારના પ્રાંગણમાં આવે છે. મોડેથી આવેલો પહેલેથી આવેલાને પૂછે છે : અરે ભાઈ! અચાનક આપણા આ લાડીલા રાજકુમારે આવી રીતે દાન આપવાનું કેમ શરૂ કર્યું? સામેથી જવાબ મળે છે : સાંભળ્યું છે કે વરસ પછી આપણા આ રાજકુમાર આખો સંસાર છોડી દેવાના છે. એ માટે અત્યારથી આવી રીતે છોડવાનું ચાલુ કર્યું છે.’
લોકો પોતાનો ક્રમ આવે ત્યારે વર્ધમાનકુમાર પાસે પહોંચે છે. એમના ભરેલા ખોબામાંથી પૂરતી સોનામહોરો પોતાના ખોબામાં ભરીને ધન્ય બની જતા. વર્ધમાનકુમારની મધુર મુખાકૃતિ ને નીતરતો વૈરાગ્ય જોઈને જ લોકોનું મન ધરાઈ જતું. ધન લેવા આવનારને પણ ધનના વિષયનો સંતોષ થતો. આ વરસીદાન એક વરસ ચાલ્યું. દૂર દૂરના ગામોમાંથી પણ લોકો આવેલા ને આ મહાન ત્યાગીના દર્શને ન્યાલ થઈ ગયેલા.
છેવટે કારતક વદ દશમની તિથિ આવી. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો. મહારાજ નંદીવર્ધને શાનદાર શોભાયાત્રાનું આયોજન કરેલું. ચંદ્રપ્રભા નામની શિબિકામાં બેસી વર્ધમાનકુમાર ક્ષત્રિયકુંડના એ રાજમહેલથી નીકળ્યા કે જ્યાં એમણે ૩૦ -૩૦ વર્ષ ગાળેલા. હવે નીકળ્યા પછી તે ત્યાં ક્યારેય પાછું વળીને જોવાના નથી. શોભાયાત્રા ક્ષત્રિયકુંડ નગરની બહાર જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં આવીને અટકી. વર્ધમાનકુમાર શિબિકામાંથી ઉતર્યા. શરીર પરના અલંકારો ને મોંઘેરા વસ્ત્રો બધું જ છોડ્યું. મસ્તક અને દાઢી-મૂછના વાળ પણ હાથથી ચૂંટીને કાઢી નાંખ્યા જેને ‘લોચ’ કહેવાય છે. તે વખતે દેવરાજ ઇન્દ્રે ભગવાન મહાવીરના સ્કંધો પર એક વસ્ત્ર સ્થાપિત કર્યું. જેને દેવદૂષ્ય કહે છે.
હવે ભગવાન મહાવીર, જેમનો આત્મા આ પૂર્વે પરમ અવસ્થા પામી ગયો છે તેવા સિદ્ધાત્માઓને નમસ્કાર કરે છે અને પોતે પાંચ મહાવ્રતની ભીષ્મપ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે. હવે શરૂ થાય છે એક એવી સાધના, જે સામાન્યજન માટે કલ્પવી પણ કઠીન છે. સાધુતાની સાધના.