Ep-11: શ્રી વીરવાડા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, પંચતીર્થી ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ શ્વેત વર્ણ, લગભગ ૯૦ સેં.મી. (વે. મંદિર)
તીર્થ સ્થળ: વીરવાડા ગામની બહાર જંગલમાં પહાડો વચ્ચે.
પ્રાચીનતા: વીરવાડાનો ઈતિહાસ અતિ પ્રાચીન હોય એમ જણાય છે. તેનું પ્રાચીન નામ વીરપલ્લી હોવાનો પણ ઉલ્લેખ મળી આવે છે. અહીંના શ્રેષ્ઠીઓએ વિ.સં. ૧૨૦૮માં અહીંથી નજીક કોટરા ગામમાં મંદિર નીર્માણ કર્યાનો ઉલ્લેખ મળી આવે છે.
વિ.સં. ૧૪૧૦માં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ મંદિરના એક સ્તંભ પર ઉત્કીર્ણ છે.
સં. ૧૪૯૯માં ગણીવર શ્રી મેઘ કવિ રચિત 'તીર્થમાલા'માં સં. ૧૭૪૫માં શ્રી શીલવિજયજી રચિત “તીર્થમાળા”માં અને વિ.સં. ૧૭૫૫માં શ્રી જ્ઞાવિમળસૂરિજી રચિત 'તીર્થમાળા'માં આ તીર્થનો ઉલ્લેખ છે.
વિશિષ્ટતા: આ તીર્થ પ્રભુવીરના સમયનું હોવાનો સંકેત મળી આવે છે. પ્રતિમા પર કોઈ લેખ ઉત્કીર્ણ નથી. પ્રતિમાની શિલ્પકલાથી જ તેની પ્રાચીનતા સહજસિદ્ધ થઈ જાય છે.
અહીંના શ્રેષ્ઠીઓએ સ્થળે સ્થળે મંદિર નિર્માણ કાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે, એમ જણાય છે કે કોઈ એક સમયે આ એક વિશાળ સમૃદ્ધ નગર હશે. આસપાસના વીસલનગર, કોટરા વગેરે વીરવાડાનાં અંગ રહ્યાં હશે. આબુના યોગીરાજ વિજય શાંતિસુરિશ્વરજીને આચાર્ય પદ પર વિશાળ મહોત્સવની સાથે અહીં જ વિભુષિત કરવામાં આવ્યા હતા.
દર વર્ષે માગશર સુદ છઠના દિવસે ધ્વજા ચઢાવવામાં આવે છે.
બીજા મંદિરો: હાલમાં આ સિવાય ગામમાં એક બીજું ભવ્ય જિનાલય છે જ્યાંનાં વર્તમાન મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે અને ઉપરની મંજીલમાં શ્રી વિમલનાથ ભગવાન વિરાજમાન છે.
કલા અને સૌંદર્ય: ગામની બહાર પહાડોની છાયામાં નિર્મિત આ મંદિરનું દશ્ય અત્યંત મનોરમ લાગે છે. પ્રભુવીરની પ્રતિમા અતિપ્રભાવશાલી, સુંદર અને ગંભીર છે. ગામમાં શ્રી વિમલનાથ ભગવાનના મંદિરમાં, બાવન દેરીઓમાં પ્રાચીન સુંદર પ્રતિમાઓ ખરેખર જોવાલાયક છે. આસપાસમાં વીસલનગર, કોટરા, વીરોલી વગેરે ગામોમાં પ્રાચીન જૈન મંદિરોના ખંડેરોમાં કલાત્મક અવશેષો મળી આવે છે. વીસલનગરમાં સ્થિત પ્રાચીન ખંડેર જૈન મંદિરને વસીયા મંદિર કહે છે.
માર્ગદર્શન: નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી રોડ ૧૦ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. સિરોહી શહેર લગભગ ૧૪ કિ.મી. દૂર છે. વામનવાડજી તીર્થ અહીંથી માત્ર ર કિ.મી. દૂર છે. અહીંનું બસ સ્ટેન્ડ મંદિરથી લગભગ ૦.૨૫ કિ.મી. દૂર છે. કાર તથા બસ મંદિર સુધી જઈ શકે છે.
સગવડતા: ગામમાં ધર્મશાળા છે. અહીં પાણી, વીજળીની સગવડતા છે. જાત્રાળુઓ માટે શ્રી વામનવાડજી તીર્થમાં રહીને અહીં આવવું સગવડતાભર્યું છે ત્યા દરેક પ્રકારની સગવડતા છે.

पेढी: શ્રી વિમલનાથ ભગવાન જૈન પેઢી, પોસ્ટ : વીરવાડા ૩૦૭ ૦૨૨, તહસીલ : પીંડવાડા, જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન, ફોન : ૦૨૯૭૧- ૩૭૧૩૮.