Ep-28: શ્રી ખેડબ્રહ્મા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, કથ્થાઈ વર્ણ, લગભગ ૯૦ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: ખેડબ્રહ્મા ગામમાં.
પ્રાચીનતા: શાસ્ત્રાનુસાર આ તીર્થ ઘણુંજ પ્રાચીન છે. સત્યયુગમાં આ નગરીનું નામ બ્રહ્મપુર, ત્રેતાયુગમાં અગ્નિખેટ, દ્વાપરયુગમાં હિરણ્યપુર અને કલિયુગમાં તુલખેટ હતું એવો ઉલ્લેખ પદ્માપુરાણમાં છે. કોઈ એક સમયે અહીં અનેક દિગમ્બર મંદિર હોવાનો ઉલ્લેખ “પુરાતન બ્રહ્મક્ષેત્ર'માં છે. અહીંની એક પ્રાચીન અદિતિ વાવમાં સંવત ૧૨૫૬ નો શિલાલેખ ઉત્કીર્ણ છે. આ પુરાતન ક્ષેત્રની કેટલીયે વાર થઢતી પડતી થઈ હશે એમ લાગે છે. હાલનું મંદિર લગભગ ૫૦૦ વર્ષ પહેલાનું હોય એવું અનુમાન છે.
વિશિષ્ટતા: આ તીર્થક્ષેત્ર ઘણુંજ પ્રાચીન હોવાથી તેની વિશેષ મહત્તા છે. અહીં હાટકેશ્વર મહાદેવજીનું પણ મંદિર છે. હિંદુઓ પણ આ સ્થળને પોતાનું તીર્થક્ષેત્ર માને છે. ગામથી ૧ કિ.મી. દૂર અંબાજીનું પ્રાચીન મંદિર છે. કહેવાય છે કે તે મંદિરના જીર્ણોદ્વાર વખતે ખોદકામ કરતાં અનેક જૈન પ્રતિમાઓ મળી આવી, જેમાંની એક અંબાજીની પ્રતિમા પણ હતી જેને પ્રાચીન સમજીને પ્રતિષ્ઠિત કરી. આથી અનુમાન થાય છે કે કોઈ વખતે અહીં શ્રી નેમિનાથ ભગવાનનું વિશાળ મંદિર હશે અને શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા શ્રી અંબાજીની આ પ્રતિમા પણ એ જ મંદિરમાં હશે.
બીજા મંદિરો: આ સિવાય શ્રી આદીશ્વર ભગવાનનું એક પ્રાચીન મંદિર છે.
કલા અને સૌંદર્ય: શ્રી મહાવીર ભગવાન અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાઓ જોવાલાયક છે. શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર અને શ્રી અંબાજીના મંદિરની નજીક અનેક પ્રાચીન મંદિરોના કલાત્મક ધ્વંસાથેષો જોવા મળે છે, જે આ સ્થળની પ્રાચીનતા પુરવાર કરે છે.
માર્ગદર્શન: ખેડબ્રહ્મા તીર્થ સ્ટેશન ૦.૫ કિ.મી. દૂર છે. બસ સ્ટેન્ડ પણ ૦.૫ કિ.મી. દૂર છે. અહીંથી ઓટો રિક્ષાની સગવડતા છે. મંદિર સુધી કાર તથા બસ જઈ શકે છે. આ સ્થાન કુંભારિયાજીથી ૪૦ કિ.મી., ઈડરથી ૨૦ કિ.મી. તથા અમદાવાદથી ૧૨૫ કિ.મી. દૂર અમદાવાદ-અંબાજી સડકમાર્ગ પર આવેલું છે.

સગવડતા: રહેવા માટે જૂની ધર્મશાળા છે. અહીં પાણી તથા વીજળીની સગવડતા છે.
પેઢી: શ્રી દશાપોરવાલ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક પંચ મહાજન પોસ્ટ : ખેડબ્રહ્મા - ૩૮૩ ૨૫૫ જીલ્લો : સાબરકાંઠા, પ્રાંત : ગુજરાત. ફોન : ૦૨૭૭૫-૨૦૦૬૮ તથા ૨૦૧૦૮ (પી.પી.)