Ep-26: શ્રી જૂના ડીસા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર ]
તીર્થાધિરાજ: શ્રી આદીશ્વર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, લગભગ ૪૫ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: જૂના ડીસા ગામમાં.
પ્રાચીનતા: આ તીર્થક્ષેત્ર વિક્રમની તેરમી સદી પહેલાનું માનવામાં આવે છે. પૂજય શુભશીલ ગણીવર્ય દ્વારા રચિત પ્રબંધ પંચશતીકામાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જયારે ડીસા પધાર્યા ત્યારે પ્રવેશ મહોત્સવ બહુજ ઠાઠપૂર્વક થયો હોવાનો ઉલ્લેખ મળી આવે છે.
ગત સદીઓમાં અહીં અનેક મંદિરો બન્યાં હશે. હાલ આ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ પ્રતિષ્ઠા ૧૮૮૮માં સંપન્ન થઈ હતી.

વિશિષ્ટતા: વિક્રમની તેરમી સદીમાં જયારે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મારવાડ તરફ વિહાર કરીને અહીં પધાર્યા ત્યારે ખૂબજ ધામધૂમથી તેમનો પ્રવેશ મહોત્સવ ઉજવાયો હતો. આચાર્યથીએ પોતાના આગમતની શહેરનેજ નહીં પણ દરેક શ્રાવકના ઘરને પવિત્ર બનાવ્યું. અહીંના એક શ્રાવકને ઈચ્છા થઈ કે પોતાને ઘેર પણ આચાર્યશ્રી પથારે તો સારું. પણ આ શ્રાવક એટલો સાધનસંપન્ન ન હતો પણ પત્નીના જહેવાથી તે આચાર્યશ્રીની પાસે ગયો અને તેમને પધારવાની વિનંતી કરી. તરત જ આચાર્યશ્રીએ મંજૂરી આપી અને તેને ઘરે ગયા.
શ્રાવક ખૂબજ ભક્તિભાવ પૂર્વક એક સામાન્ય ચાદર આચાર્યશ્રીને વહોરવી. આચાર્યશ્રીનો જયારે પાટણ શહેરમાં વિરાટ મહોત્સવ સાથે પ્રવેશ થયો ત્યારે આચાર્યશ્રીએ એ જ ચાદર ધારણ કરી પ્રવેશ કર્યો. રાજા કુમારપાળ આદિ શ્રેષ્ઠીગણોએ આ અતિ-સાધારણ ચાદર ધારણ કરવાનું કારણ પૂછ્યું તો આચાર્યશ્રીએ કહ્યું કે આ ચાદર પણ એક પરમ ભક્ત દ્વારા ભેટમાં મળેલી છે અને એમાં જો આપને શરમ આવતી હોય તો તમે એ સ્વઘર્મી
ભાઈઓને ઊંચે આવવામાં મદદ કરો કે જેથી તેમની સ્થિતિ સુધરે. રાજા કુમારપાલે આ વાત પર ધ્યાન આપી તરત જ આવશ્યક પગલાં ભર્યાં. એ શ્રાવકને પણ બોલાવી સન્માનપૂર્વક તેને દસહજાર મુદ્રાઓ ભેટમાં આપી. સ્વધર્મી પ્રત્યે આચાર્યશ્રીએ કરેલું કાર્ય ખાસ ઉલ્લેખનીય છે.
આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી દ્વારા સૂરીમંત્રની ધર્મઆરાઘના કરતાં અહીં શાસનદેવી પ્રસન્ન થઈ હતી. શાસનદેવીએ આશીર્વાદ આપી કહ્યું હતું કે જયવિમલમુનિજીએ આપના પટ્ટશ્વર બનાવ્યા પછી આપશ્રી દ્વારા
એક મહાન રાજા પ્રતિબોધિત થશે, જે જૈન શાસનની પ્રભાવના વધારવામાં સહાયક સિદ્ધ થશે.
ત્યારબાદ સમ્રાટ અકબરે આચાર્યશ્રીથી પ્રતિબોધ પામીને તેમને પોતાના ગુરુ માન્યા અને ધાર્મિક કાર્યો માટે અનેક ફરમાન જાહેર કર્યા. જયવિમલમુનિજી પાછળથી આચાર્ય સેનસૂરીશ્વરજીના નામથી પ્રખ્યાત થયા. દર વર્ષે માહ સુદ છઠના દિવસે ધ્વજા ચઢાવવામાં આવે છે.
બીજા મંદિરો: હાલ આ સિવાય બીજું એક શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે અને ગામની બહાર એક દાદાવાડી છે, જયાં આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ આદિની ચરણ પાદુકાઓ છે.
કલા અને સૌંદર્ય: કલાત્મક પ્રભુપ્રતિમા ઘણીજ સુંદર અને ભાવાત્મક છે.
માર્ગદર્શન: નજીકનું રેલ્વે સ્ટેશન ડીસા લગભગ ૬ કિ.મી. દૂર છે. અહીંથી ટેકસી તથા બસની સગવડતા છે. અહીંથી ચારૂપ ૩૫ કિ.મી. ભીલડીયાજી ૩૦ કિ.મી. તથા મેત્રાણા ૪૦ કિ.મી. દૂર છે.
સગવડતા: ગામમાં ઉપાશ્રય તથા ધર્મશાળા છે. અહીં જાત્રાળુઓ માટે રહેવાની તથા ભોજનની વ્યવસ્થા પણ થઈ શકે છે.
પેઢી: શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૂના ડીસા પોસ્ટ :જૂના ડીસા જીલ્લો : બનાસકાંઠા, પ્રાંત : ગુજરાત. ૩૮૫ ૫૪૦ ફોન : ૦૨૭૪૪-૨૨૦૩૫ (પી.પી.), ૦૨૭૪૪-૨૩૩૩૭