Ep-16: શ્રી નાણા તીર્થ
[પુરાતન ક્ષેત્ર, પંચતીર્થી]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, લગભગ ૧.૨૦ મીટર (શ્વે. મંદિર)
તીર્થસ્થલ: નાણા ગામની મધ્યમાં.
પ્રાચીનતા: આ તીર્થ શ્રી મહાવીર ભગવાનના સમયનું કહેવામાં આવે છે. “નાણા, દિયાણા, નાન્દિયા જીવિતસ્વામી વન્દિયા” આ કહેવત પ્રસિદ્ધ છે. મંદિરમાંથી મળી આવતાં વિ.સં. ૧૦૧૭થી સં. ૧૬૫૯ સુધીના શિલાલેખોથી સિદ્ધ થાય છે કે આ તીર્થ સદીઓ સુધી જાહોજલાલીમાં રહ્યું, પણ નાણા ક્યારે વસ્યું તેનો ઈતિહાસ મળવો મુશ્કેલ છે.
શ્રી મહાવીર ભગવાનના જીવનકાળની પ્રતિમા કદાચ જીર્ણોદ્ધાર વખતે બદલવામાં આવી હશે એવું લાગે છે. કારણકે અત્યારની પ્રતિમા પર વિ.સં. ૧૫૦૫ પોષ વદ ૯, શનિવારે શ્રી શાંતિસૂરિશ્વરજી દ્વારા પ્રતિષ્ઠા થયાનો લેખ ઉત્કીર્ણ છે, પણ આ પ્રતિમા પણ ઘણીજ પ્રભાવશાળી છે.
વિશિષ્ટતા: આ તીર્થ પ્રભુવીરના સમયનું માનવામાં આવતું હોવાથી તેની આગવી વિશિષ્ટતા છે. નાણક્યગચ્છનું ઉત્પત્તિ સ્થાન આ જ છે. આ ગચ્છની ઉત્પત્તિ વિક્રમની બારમી સદી પહેલાં થઈ હશે, એવું ઉલ્લેખો દ્વારા જણાય છે. આ બામણવાડ પંચતીર્થીનું એક તીર્થસ્થાન છે.અમરસિંહ માયાવીર રાજાએ ત્રિભુવન મંત્રીના વંશજ શ્રી નારાયણ મૂતાને નાણા ગામ ભેટ આપ્યું હતું.નારાયણે એક સાહરાવ નામનું રેંટ ભગવાનની સેવાપૂજા માટે મંદિરને ભેટ આપ્યું હતું. એ સમયે ઉપકેશગચ્છીય આચાર્ય સિંહસૂરિ કે હયાત હતા. શિલાલેખમાં
વિ.સં. ૧૯૫૯ ભાદરવા સુદ ૭ નો લેખ ઉત્કીર્ણ છે. આ રેંટ હજુ પણ જૈન સંઘને આધીન છે. દર વર્ષે વૈશાખ વદ છઠના દિવસે ધજા ચઢાવાય છે.
બીજા મંદિરો: હાલ આ સિવાય બીજું પણ એક મંદિર છે.
કલા અને સૌંદર્ય: પ્રભુ પ્રતિમાની કલા ઘણી જ આકર્ષક અને હસમુખ છે. જે સહજભાવે જ મનને મોહી લે છે. પ્રતિમાની આસપાસ તોરણની કલા જોવાલાયક છે. અહીં પ્રાચીન નંદીશ્વરદ્વીપનું પાષાણ પટ્ટ કલાત્મક છે. એના પર વિ.સં. ૧૨૭૪નો લેખ ઉત્કીર્ણ છે.
માર્ગદર્શન: નજીકનું રેલ્વે સ્ટેશન નાણા ર કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ઓટોની સગવડતા છે. મંદિરથી બસ સ્ટેન્ડ માત્ર ૧૦૦ મીટર દૂર છે. બામનવાડાથી નાણા ૨પ કિ.મી. દૂર છે. સિરોહી રોડ - પિંડવાડા થઈને જવું પડે છે.
સગવડતા: રહેવા માટે ધર્મશાળા છે. અહીં પાણી, વીજળી, વાસણ તથા ગાદલાં ગોદડાંની સગવડતા છે.

પેઢી: શ્રી વર્ધમાન શ્વેતાંબર જૈન પેઢી, નાણા તીર્થ, પોસ્ટ : નાણા - ૩૦૬ ૫૦૪, તહસીલ : બાલી,
જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન. ફોન : ૦૨૯૩૩- ૪૫૪૯૯