Ep-14: શ્રી અજારી તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ, પંચતીર્થી ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, લગભગ ૭૫ સેં.મી. (શ્વે. મંદિર)
તીર્થ સ્થળ: અજારી ગામની મધ્યમાં.
પ્રાચીનતા: આ ખૂબ જ પ્રાચીન સ્થળ છે. આ તીર્થની પ્રાચીનતા જાણવી મુશ્કેલ છે. કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે આ ગામની પાસે માર્કન્ડેશ્વરમાં શ્રી સરસ્વતીદેવીના મંદિરમાં સરસ્વતીદેવીની આરાધના કરી ત્યારે સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈને આ જિન મંદિરમાં સાક્ષાત્ દર્શન આપ્યાં હતાં. આ મંદિરની પાસે એક વાવમાં વિ.સં. ૧૨૦૨નો લેખ ઉત્કીર્ણ છે, જેમાં પરમાર રાજા યશોધવલનું વર્ણન છે. અહીંયાં કેટલીક ધાતુની પ્રતિમાઓ પર અગિયારમી તેમ જ તેરમી સદીના લેખ ઉત્કીર્ણ છે. પ્રતિમાજી પર કોઈ લેખ ઉત્કીર્ણ નથી.
પ્રતિમાજીની કલાકૃતિ પરથી લાગે છે કે આ પ્રતિમા ખૂબ જ પ્રાચીન છે. આ ભવ્ય બાવન જિનાલય મંદિરમાં બધી જ પ્રતિમાઓ રાજા શ્રી સંપ્રતિકાળની પ્રતીત થાય છે. મંદિરમાં કેટલાક આચાર્ય ભગવંતોની પ્રતિમાઓ ખૂબ જ સુંદર છે, જેમાં એક પર સં.૧૨નો લેખ ઉત્કીર્ણ છે. અહીંનો અંતિમ જીર્ણોદ્ધાર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની પાવન નિશ્રામાં થયાનો ઉલ્લેખ છે.
વિશિષ્ટતા: કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમાચંદ્રાચાર્યે અહીંથી નજીકમાં આવેલા માર્કન્ડેશ્વરમાં શ્રી સરસ્વતી દેવીની આરાધના કરી હતી. તેમજ શ્રી સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈ આ જ મંદિરમાં શ્રી હેમચન્દ્રાચાર્યજીને પ્રદક્ષિણા આપતી વખતે સાક્ષાત્ પ્રગટ થઈ દર્શન આપ્યાં હતાં. શ્રી હેમચંદ્રાચાર્યે આ મંદિરમાં શ્રી સરસ્વતીદેવીની પ્રતિમાની સ્થાપના કરાવી હતી, જે આજે પણ મંદિરમાં જોવા મળે છે. આ પ્રતિમા પર વિ.સં. ૧૨૬૯માં શ્રી શાંતિસૂરિજી દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ ઉત્કીર્ણ છે. બની શકે છે કે શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી આ પ્રતિમા બનાવવામાં આવી હોય તેમ જ પ્રતિષ્ઠા શાંતિસૂરિજીના સુહસ્તે થઈ હોય. શ્રી સરસ્વતી દેવીના ચમત્કારો પ્રખ્યાત છે આજે પણ અનેક જૈન તેમ જ જૈનેતર, વિદ્યાપ્રપ્તિ માટે ભક્તિભાવથી ભાવના ભાવે છે. અને તેમની મનોકામનાઓ સિદ્ધ થાય છે.
આ તીર્થ છોટી મારવાડ પંચતીર્થીનું એક તીર્થ છે. હાલમાં લગભગ ૭૦ વર્ષ પહેલા આબુના યોગીરાજ વિજયશ્રી શાંતિસૂરીજીએ પણ અહીંયા નજીકના જંગલમાં કઠોર તપશ્ચર્યા કરી હતી, તેમ જ માર્કન્ડેશ્વરમાં સરસ્વતીદેવીની આરાધના કરવાથી સરસ્વતીદેવી સાક્ષાત્ પ્રકટ થયા હતાં. વિજયશાંતિસૂરીશ્વરજી જ્યાં રહ્યા હતા તે સ્થળ આજે પણ માર્કેન્ડેશ્વરમાં યથાવત્ જોવા મળે છે. કવિવર્ય કાલિદાસની પણ આજ જન્મભૂમિ છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન થાય છે. તથા વૈશાખ શુકલા પંચમીના દિવસે ધજા ચઢાવાય છે.
બીજાં મંદિરો: હાલમાં આ મંદિર સિવાય બીજું કોઈ મંદિર નથી. માર્કન્ડેશ્વરમાં શ્રી સરસ્વતીદેવીનું મંદિર અહીંથી એક ર્માલઈ દૂર છે.
કલા અને સૌંદર્ય # બાવન જિનાલય મંદિરની કલા ખૂબ જ દર્શનીય છે. બધી જ પ્રતિમાઓ રાજા સંપ્રતિકાળની ખૂબ જ સુંદર તેમ જ મનમોહક છે. આ મંદિરમાં તેમ જ માર્કન્ડેશ્વરજમાં સરસ્વતીદેવીની પ્રતિમા ખૂબ જ પ્રભાવશાળી છે. સરસ્વતીદેવીની આટલી પ્રાચીન તેમ જ પ્રભાવશાળી પ્રતિમાઓનાં દર્શન બીજે દુર્લભ છે.
માર્ગદર્શન: અહીથી નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી રોડ ૫ કિ.મી. દૂર છે. અહીંથી ઓટોરીક્ષાની સંગવડતા છે. બામનવાડજી તીર્થથી આ સ્થાન ૧૨ કિ.મી., નાંદિયા તીર્થથી ૧૦ કિ.મી. તથા પિંડવાડાથી ૩ કિ.મી. દૂર છે. મંદિર સુધી પાકો રસતો છે. અહીંના બસ સ્ટેન્ડથી મંદિર ૧૦૦ મીટર દૂર છે.
સગવડતા: રહેવા માટે મંદિરની નિકટ ધર્મશાળા છે. પરંતુ હાલમાં ખાસ કોઈ સગવડતા નથી. એથી પિંડવાડા અથવા બામનવાડજીમાં રહીને આવવું વધારે યોગ્ય છે. ત્યાં દરેક પ્રકારની સગવડતા છે.

પેઢી: શ્રી કલ્યાણજી શોભાગ ચંદજી જૈન પેઢી, પોસ્ટ : અજારી ૩૦૭ ૦૨૧,
જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન, મુખ્ય કાર્યાલય : શેઠ કલ્યાણજી શોભાગચંદજી પેઢી,
પોસ્ટ: પિંડવાડા - ૩૦૭ ૦૨૧. (રાજસ્થાન). ફોન : ૦૨૯૭૧-૨૦૦૨૮ પી.પી.