Ep-24: શ્રી વરમાણ તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુક્ત ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, લગભગ ૧.૪ મીટર (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: વરમાણ ગામની બહાર એક છેડે નાની ટેકરી ઉપર.
પ્રાચીનતા: વિ.સં. ૧૨૪૨માં શ્રેષ્ઠી શ્રી પુનિગ આદિ શ્રાવકોએ શ્રી મહાવીર સ્વામીનાં મંદિર (બ્રાહ્મણગચ્છના) ની ભમતીમાં શ્રી અજિતનાથ ભગવાનની દેરીના ગુંબજની પદ્મશીલા કરાવી એવો ઉલ્લેખ છે.
વિ.સં. ૧૨૮૭માં દેલવાડાના લાવણ્યવસહી મંદિરની વ્યવસ્થા માટે મંત્રીશ્રી વસ્તુપાળ-તેજપાળ દ્વારા સ્થાપેલ વ્યવસ્થા સમિતિએ અહીંના શ્રી સંઘને પ્રતિ વર્ષ થનાર અઠ્ઠાઈ મહોત્સવમાં મહા વદ ૫ (ત્રીજો દિવસ) ની પૂજા કરાવવાનું કાર્ય સોંપ્યું હતું.
વિ.સં. ૧૪૪૬માં આ મંદિરમાં એક રંગમંડપ નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે.
વિ.સં. ૧૭૫૫માં શ્રી જ્ઞાનવિમલસૂરિજી દ્વારા રચિત ‘તીર્થમાળા' માં અહીંનો ઉલ્લેખ છે. આ બધાથી એ સિદ્ધ થાય છે કે આ મંદિર વિ.સં. ૧૨૪રના પહેલાનું છે. અહીં ઉપલબ્ધ ખંડેરો, પ્રાચીન વાવડીઓ તથા કૂવાઓથી પ્રતીત થાય છે કે કોઈ સમયે આ એક મોટું નગર હશે. આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ હાલમાં પૂરું થયેલ છે.
વિશિષ્ટતા: બ્રહ્માણગચ્છની ઉત્પત્તિનું સ્થાન આ જ છે. અહીંનું સૂર્યમંદિર ભારતના પ્રસિદ્ધ સૂર્યમંદિરોમાં એક છે. જેનું નિર્માણ વિક્રમની સાતમી સદી પહેલાનું કહેવામાં આવે છે. દર વર્ષે ચૈત્રી સુદ ૧૩ના દિવસે મેળો ભરાય છે. ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુ ભક્તજનો મોટી સંખ્યામાં આવીને ભક્તિનો લાભ લે છે.
બીજા મંદિરો: હાલમાં આ સિવાય બીજું એક શ્રી સીમંધર સ્વામી ભગવાનનું મંદિર છે.
કલા અને સૌંદર્ય: તીર્થાધિરાજ ભગવાન શ્રી મહાવીરની પ્રતિમાની કલા અજોડ છે. મંદિરની છત પર અને ઘુમ્મટ પર કરેલ (નેમિનાથ ભગવાનની જાન, ભગવાનનો જન્મોત્સવ ઈ.) પ્રાચીન કલાના નમૂના દર્શનીય છે. ભગવાનની આજુ બાજુ કાઉસગ્ગ મુદ્રામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની બે પ્રતિમાઓ લક્ષ્મીદેવી તથા અમ્બિકાદેવી તથા અન્ય પ્રાચીન પ્રતિમાઓની કલા અત્યંત દર્શનીય છે.
માર્ગદર્શન: નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ ૪૪ કિ.મી. દૂર છે. અહીંથી ટેકસી તથા બસની સગવડતા છે. મંદિર સુધી પાકો રસ્તો છે. નજીકનું મોટું ગામ રેવદર 3 કિ.મી., મંડાર ૧૦ કિ.મી. તથા જીરાવલા તીર્થ પ કિ.મી. દૂર છે. આ જગ્યાએથી ટેકસી તથા બસની સગવડતા છે.
સગવડતા: રહેવા માટે મંદિરની નજીક જ વિશાળ ધર્મશાળા છે. અહીં વીજળી, પાણી, વાસણ, ગાદલાં-ગોદડાં, ભોજનશાળા, ચ્હા નાસ્તો તથા ભાતાની સગવડતા છે. અહીં બે હોલ તથા ઉપાશ્રય પણ છે.

પેઢી: શ્રી વર્ધમાન જૈન તીર્થ, વરમાણ, પોસ્ટ ૩૦૭ ૫૧૪, વાયા : રેવદર, જીલ્લો : સિરોહી, : વરમાણ પ્રાંત : રાજસ્થાન, ફોન : ૦૨૯૭૫-૬૪૦૩૨.