Ep-1: ગર્ભાવસ્થા
ભગવાન મહાવીર તરીકેના છેલ્લા જન્મ માટે તેમનો આત્મા પોતાની આધ્યાત્મક યાત્રાના એક પછી એક મુકામો સર કરતો કરતો હાલના ઝારખંડ રાજ્યના લચ્છવાડ ખાતે ક્ષત્રિયકુંડ નગરના મહારાજા સિદ્ધાર્થના મહારાણી ત્રિશલાના ગર્ભમાં આવે છે.
તે વખતે આવો ઊંચો આત્મા ગર્ભમાં આવવાના પ્રભાવે ત્રિશલારાણીને ચૌદ મહાસ્વપ્નો આવે છે. તેમાં એ ત્રિશલારાણી ક્રમશ: હાથી, બળદ, સિંહ, લક્ષ્મીદેવી, ફૂલની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પાણી ભરેલો કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, દેવવિમાન, રત્નનો ઢગલો અને ધૂમાડા વિનાનો અગ્ન આ ચૌદ વસ્તુઓને જુએ છે.
આ સપનાઓ ભાવિનો સંકેત આપનારા હતા. બીજા દિવસે સિદ્ધાર્થ રાજા આ સ્વપ્નોના સંકેત જાણવા માટે સ્વપ્નશાસ્ત્રમાં નિષ્ણાંત પંડિતોને બોલાવે છે. પોતે નગરના મહારાજા હોવા છતાં જ્ઞાનમાં ચડિયાતા એવા તે વિદ્વાનોનો વિનયપૂર્વક સત્કાર કરીને તે સ્વપ્નોનાં સંકેતના વિષયમાં પૂછે છે. સ્વપ્નશાસ્ત્ર નિષ્ણાંતો વિગત જાણી મહારાજાને સ્વપ્નફળ જણાવવા દ્વારા વધામણી આપે છે કે તમારે ત્યાં આખા જગતમાં પ્રભાવ પાથરનારો પુત્રરત્ન જન્મ લેશે.
પુત્રના લક્ષણ પારણામાં હોય જ્યારે આ તો એક દિવ્યાત્મા હતોને! ગર્ભાવસ્થાથી જ તેનો મહિમા દેખાવા લાગ્યો ને સિદ્ધાર્થરાજાનું કુળ જે જ્ઞાતકુળના નામે વિખ્યાત હતું તેમાં ધન, ધાન્ય, ઐશ્વર્યની વૃદ્ધિ થવા લાગી. આ સંકેતથી પ્રેરાઈને માતા-પિતાએ ત્યારે જ એવો સંકલ્પ કર્યો કે આપણે આ બાળકનું નામ ‘વર્ધમાન’ પાડીશું.