Ep-3: બાલ્યાવસ્થા
પરમાત્મારૂપે અવતરેલી વ્યક્તઓના જીવનની એક એક ઘટના એવી હોય છે કે જે અનેકાનેક વિચારક વ્યક્તઓને પ્રેરણાનું ભાથું પૂરું પાડે. વર્ધમાનકુંવરના જીવનની બાલ્યવયમાં પણ એવી ઘટનાઓ વણાયેલી છે. બને છે એવું કે વર્ધમાનકુંવરના માતાપિતા સામાન્યજનને સુલભ એવી લાગણીઓથી પ્રેરાઈ વર્ધમાનકુંવરને વિદ્યાલયમાં ભણવા મૂકે છે. આ કુંવર તો ગર્ભમાં હતા ત્યારથી વિશિષ્ટ જ્ઞાનના ધારક છે, છતાંય પોતાની જાણકારીની જાહેરાતો એમણે ક્યારેય કરી નથી. કહેવત પણ છે ને કે ‘હીરા મુખ સે ના કહે, લાખ હમારા મોલ’
વિદ્યાલયમાં પહેલા જ દિવસે વર્ધમાનકુંવરના વિશિષ્ટ જ્ઞાનની લોકોને ખબર પડે તે માટે દેવરાજ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવે છે ને વિદ્યાલયના પંડિતવર્યને પણ જેની મૂંઝવણ છે તેવા પ્રશ્નો વર્ધમાનકુંવરને પૂછે છે. એ પ્રશ્નો વ્યાકરણ સંબંધી હોય છે. કારણ કે બધી વિદ્યાઓની પેટી ભાષા ને ભાષાની સૂક્ષ્મતા આવે વ્યાકરણથી.
વર્ધમાનકુંવર તો ફટાફટ એ પ્રશ્નોના જવાબ આપી દે છે ને ત્યારે જૈનેન્દ્ર વ્યાકરણની રચના થાય છે. એ વખતે પંડિતવર્યના ઉદ્ગારો હતા : ‘ખરેખર! આ બાળકની ગંભીરતાની તોલે તો સાગર પણ ખાબોચિયું છે. સાચી જ વાત છે ને! કાંસાનો અવાજ વધારે ને કિંંમત ઓછી. સોનાનો અવાજ કાંઈ નહીં ને કિંમતનો પાર નહીં.’આમ એ પળે વર્ધમાનકુંવરમાં ધરબાયેલી વિશિષ્ટ ક્ષમતાઓનો ત્યાં ઉપસ્થત સહુને અંદાજ આવે છે.
વર્ધમાનકુંવરની વય ભલે બાળકની હતી પણ વર્તનમાં ડોકાતી સમજદારી તો એક પ્રૌઢનું પણ મસ્તક ઝુકાવી દે એવી હતી. માતાપિતા તો શું, પોતાના કોઈ મિત્રને પણ પોતાનાથી જરાસરખી તકલીફ ન થાય તેવી તકેદારી વર્ધમાનકુંવરમાં હતી.પોતે રાજકુળના દીકરા હોવા છતાં મિત્રો પર રુઆબ છાંટવો કે જોહુકમી કરવી એ વર્ધમાનકુંવરના લોહીમાં જ નહોતું. એ બોલે ત્યારે મધુરતા ને નમ્રતા છલકાતી, સાથે સાથે જ દૃઢતા ને નીડરતા પણ શિખરને સ્પર્શે એવી હતી. આ તાલમેળ ભાગ્યે જ જોવા મળે છે. એ વીરતાનો એક પ્રસંગ જાણવા મળે છે.