Ep-5: યૌવનવય
મહાવીરપ્રભુ તો ગર્ભમાં આવ્યા ત્યારથી અધ્યાત્મમાં ઓળઘોળ થયેલા જીવ હતા. તેમનો આત્મા, તેમનું મન, તેમની વિચારધારા આ બહારના જગતથી ઘણી વેગળી હતી. તેમના માતાપિતાને આ વાતની ખબર હતી. આથી જ લગ્નને યોગ્ય ઉંમર થઈ જવા છતાં દીકરાને લગ્નની વાત કેવી રીતે કરવી એ જ મોટી મૂંઝવણ હતી. એમાં એક દિવસ સમરવીર નામના રાજાએ પોતાની દીકરી યશોદાને વર્ધમાનકુમાર સાથે લગ્નસંબંધે બાંધવા માટે પોતાના મંત્રીઓને સિદ્ધાર્થરાજા પાસે મોકલ્યા. મંત્રીઓએ આવીને સિદ્ધાર્થરાજાને આ હકીકતનું નિવેદન કર્યું. મા ત્રિશલાનું હૃદય હવે દીકરાને પરણાવવા ખૂબ ઉત્સુક થઈ ગયું.
મા સમજુ હતી. તેણે સીધેસીધી આજ્ઞા આપી દેવાના બદલે મિત્રોને સમજાવીને વર્ધમાનકુમાર પાસે મોકલ્યા. જો આ રીતે દીકરો તૈયાર થઈ જાય તો કામ સરળતાથી પતી જાય એવી માની ગણતરી. મિત્રોએ જ્યારે વાત કરી ત્યારે વર્ધમાનકુમારે ધીરગંભીર વાણીથી એમને સમજાવ્યા : ‘મિત્રો! આપણું જીવન તો ઘાસની ટોચ પર લાગેલા ઝાકળબિંદુ જેવું ચંચળ છે. એક હવાની લહેરખી આવે ને એ બિંદુ ને તેની જેમ જીવન ક્યાંય હતું નહતું થઈ જાય. હું તો ક્યારનો ગૃહત્યાગ માટે ઉત્સુક છું. પણ માતાપિતાને એવી મમતા છે કે મારો આ નિર્ણય એમના માટે અસહ્ય બની જશે એ વિચારે જ અટકેલો છું.’
આ બધી વાતોમાં વાર લાગી એટલે પરિસ્થતિનો અંદાજ કાઢી મા ત્રિશલા સ્વયં આ મિત્રમેળામાં આવી પહોંચે છે. વર્ધમાનકુમાર મા-ને સિંહાસન પર બેસાડી હાથ જોડીને કહે છે : ‘મા! તું સ્વયં કેમ આવી? મને બોલાવ્યો હોત તો હું આવી જાત’ અને ત્યાર પછી મુદ્દાની ચર્ચા ચાલી. છેવટે માતાએ કહ્યું, ‘બેટા! મારી ખાતર તું વિવાહની હા પાડી દેને!’ વર્ધમાનકુમારે જોયું કે કર્મની લીલા અકળ છે. માતાનો આગ્રહ પણ ગજબ છે. મારા છેવટના લક્ષ્યને સિદ્ધ કરવા એકવાર આમાં સંમતિ આપી દઉં. અને વર્ધમાનકુમારની મૌન સંમતિ મળતા જ સમગ્ર ક્ષત્રિયકુંડનગરને આનંદ અપાવે એવો લગ્નોત્સવ યોજાઈ ગયો.