Ep-6: વિરક્તિકાળ
સમય વહેતો જાય છે. વર્ધમાનકુમારને લગ્નજીવનમાં એક દીકરી અવતરે છે. તેનું નામ પ્રિયદર્શના રાખવામાં આવે છે. વર્ધમાનકુમારની વય ૨૮ વર્ષની થતાં સુધીમાં તેમના માતા અને પિતા બંનેનો સ્વર્ગવાસ થઈ જાય છે. અને છેક ગર્ભથી જે વૈરાગ્ય હૃદયમાં ધરબાયેલો હતો તે જાણે બહાર ઉભરી આવે છે. ઔચિત્યપાલનના ભંડાર વર્ધમાનકુમાર પોતાના મોટાભાઈ નંદીવર્ધન પાસે પોતાની દીક્ષા (સંન્યાસ) ગ્રહણની ભાવના પ્રગટ કરે છે.
ભાઈ નંદીવર્ધન ગળગળા સાદે કહે છે : બંધુ, તારો વૈરાગ્ય હું નાનપણથી જોતો આવ્યો છે.અરે! તું તો ગર્ભથી જ સમજશક્ત, નિર્ણયશક્ત અને અતીન્દ્રિયજ્ઞાન લઈને આવ્યો છે ને એટલે જ તેં ગર્ભમાં જ માતાપિતાના તારા પ્રત્યેના અમાપ સ્નેહને સમજી એમના જીવતા વ્રત ન સ્વીકારવાનો નિર્ણય કરેલો. પણ ભાઈ, માતાપિતાનો વિયોગ હમણા જ થયો છે ને તું પણ જો ચાલ્યો જઈશ તો મારી હાલત શી થશે? મારો તને લાગણીભર્યો આગ્રહ છે કે થોડુંક રોકાઈ જા. મારી આટલી વાત નહીં માને? તારો વિનય તો આસમાનને સ્પર્શે છે. મને વિશ્વાસ છે કે તું મારી વાત જરૂર માનીશ.
માનીશને? વર્ધમાનકુમાર, વિનયની મૂર્તિ જ જોઈ લો! મોટાભાઈને ખૂબ નમ્રતાપૂર્વક કહે છે : વડીલબંધુ, આપ કહો છો તો વધુ બે વર્ષ રોકાઈ જઉં છું પરંતુ, હવે મને વધારે આગ્રહ ન કરતા. આમ વર્ધમાનકુમાર વધુ બે વર્ષ સંસારમાં રહે છે, પણ એમાં તેમનું જીવન તેમણે ધરમૂળથી બદલી દીધું છે. નિતાંત વૈરાગ્ય હવે વર્તનમાં ઝળહળી રહ્યો છે. તેઓએ પોતાના માટે ભોજનને લગતી કોઈ ખાસ વ્યવસ્થા કરવાનો નિષેધ કર્યો. સ્નાન કરતા નથી, માત્ર હાથપગનું પ્રક્ષાલન કરી લે છે. સદાય બ્રહ્મચારી તરીકે જીવે છે. ઘણો સમય તો શરીરને સ્થર રાખી ધ્યાનમાં જ વીતાવે છે. જાણે કે બે વર્ષ પછી શરૂ થનારી વિરાટ સાધનાની પૂર્વતૈયારી ન કરતા હોય!
અને આવી સ્થતિમાં વર્ષ વીત્યું એટલે જૈન શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ અહિંની દુનિયાથી ઉપર જે દેવોની દુનિયા છે તેમાં ચોક્કસ જગ્યાએ રહેલા ‘લોકાંતિક’ નામના દેવો આવીને ભગવાન મહાવીરને વિનંતી કરે છે : ‘ભગવન્! આપ તો બધું જાણો જ છો પણ અમારા કર્તવ્યરૂપે અમે આપને યાદ અપાવીએ છીએ કે આપ સંસારનો ત્યાગ કરી દુનિયને સાચો રસ્તો બતાવે તેવી વાણીનું અજવાળું પાથરો! આ સાથે જ બીજા દિવસથી આખા ક્ષત્રિયકુંડમાં હલચલ મચી જાય છે.