Ep-12: નિર્વાણ
મહાવીરપ્રભુનાં જીવનનું ૭૨મું વર્ષ આવ્યું. છેલ્લા ચાર મહિના માટેનું રોકાણ (ચોમાસું) અપાપાપુરી નગરીના હસ્તપાળ રાજાની ખાલી પડેલી કારકુનોની કચેરીમાં હતું. રોજેરોજ ઉપદેશધારા વહેતી હતી. એમાં આસો વદ ચૌદશની તિથિ આવી. તે દિવસે રોજ અમુક જ કલાક ચાલતી ઉપદેશધારા સતત ચાલી. આ ઉપદેશધારા છેક આસો વદ અમાવાસ્યાની મોડી રાત સુધી સળંગ લગભગ ૪૮ કલાક ચાલી. તેમાં ભગવાને જે ઉપદેશો આપ્યા તેમાંના ઘણા આજે પણ ઉત્તરાધ્યયન સૂત્ર નામના જૈન આગમમાં સંઘરાયેલા મળે છે.
હવે આ શરીરનાં બંધનમાંથી પણ છૂટવાની વેળા નજીક આવી. પોતાની આ અંતિમ ઘડીઓમાં પોતાના પ્રત્યે તીવ્ર અનુરાગવાળા પટ્ટશિષ્ય ગૌતમસ્વામીને પ્રભુએ એક બ્રાહ્મણને પ્રતિબોધ આપવા મોકલી દીધેલા. ગૌતમસ્વામીના આત્માને એનાથી જ વધારે લાભ થશે એવું ભગવાને જોયેલું. અંતિમ સમયમાં મહાવીરપ્રભુ પર્યંકાસન નામની આસનમુદ્રામાં હતા. ધ્યાનમાં સર્વોચ્ચ શિખરો સર કરીને ધીરે ધીરે એક પછી એક સ્થૂલ અને સૂક્ષ્મ શારીરિક સ્પંદનોને ભગવાન બંધ કરતા ગયા. જ્યારે ચાર ઘડી = ૯૬ મિનિટ જેટલી રાત બાકી હતી ત્યારે એક બાજુ શરીર સાથેનું જોડાણ તૂટ્યું સાથે જ આત્માએ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. બધા જ કાર્યો પૂર્ણ થયા હોવાથી ભગવાનનો આત્મા હવે ‘સિદ્ધ’ તરીકે ઓળખાયો.
સદેહે ભગવાનનું અસ્તત્વ પૂર્ણ થયું. ભગવાનના પાર્થિવ દેહને ત્યાં ઉપસ્થત સહુ કોઈએ ભક્તની અંજલિ ધરી અને તેનો અગ્નસંસ્કાર કરવામાં આવ્યો. આવું જ્ઞાનતેજ વહાવનારા હવે ફરી નહીં મળે તે વાતના શોકથી ત્યારના નવ મલ્લકી જાતિના રાજાઓ અને નવ લિચ્છવી જાતિના રાજાઓએ જ્ઞાન દેનારો પ્રકાશપુંજ ગયો એની યાદમાં દીવડાઓ પેટાવી અજવાળું કર્યું. દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપી પાછા ફરતા ગૌતમસ્વામીને અડધા રસ્તે આ સમાચાર મળ્યા. તેઓ અસહ્ય આઘાતમાં ડૂબી ગયા.
‘મારા પ્રભુએ છેલ્લા સમયે મને દૂર કર્યો?’ આવા વિચારોમાંથી ભગવાનના નિર્ણયના હાર્દ સુધી પહોંચેલા તેમણે પોતાના એકપાક્ષિક સ્નેહને તિલાંજલિ આપતા તે જ ક્ષણે તેમને કેવળજ્ઞાન થયું. ને આનંદ મંગલ છવાયું. આજે આ ઘટનાને ૨૫૫૦ વર્ષોના વહાણા વહી ગયા છે પણ એક સારા જૈનેતર ચિંતક લખે છે કે ‘જ્યાં સુધી પૃથ્વી ઉપર એક પણ માણસ શ્વસતો હશે ત્યાં સુધી મહાવીરપ્રભુએ વહાવેલી જ્ઞાનગંગા માનવયાત્રાના ઊર્ધ્વારોહણ માટે પાથેયરૂપ બની રહેશે.’