Ep-10: કેવળજ્ઞાન
દેવાર્યને સાધના શરૂ કર્યાને લગભગ સાડા બાર વર્ષ જેટલો કાળ વીત્યો. અત્યાર સુધીમાં આત્મા પર લાગેલા કર્મોનો મોટો ભાગ ખરી પડ્યો હતો. દેવાર્ય વિહાર કરતા કરતા જૃંભક ગામની નજીક આવ્યા. તે દિવસે વૈશાખ સુદ દશમની તિથિ હતી. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો છે. ઋજુવાલિકા નામની ઝારખંડ રાજ્યના હજારીબાગ જીલ્લાની એ નદી, જે બરાકરના નામે ઓળખાય છે તેના કિનારે શ્યામાક નામના વ્યક્તના ખેતરમાં શાલ વૃક્ષની નીચે દેવાર્ય ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચે છે. આત્મા અખૂટ જ્ઞાનનો સ્ત્રોત છે. એ જ્ઞાન જ્યાં સુધી કર્મોના કારણે ઢંકાયેલું હોય છે ત્યાં સુધી આત્મા અજ્ઞાની રહે છે.
જ્યારે એ કર્મોના કુંડા હટી જાય છે ત્યારે આત્માના જ્ઞાનની ક્યારેય બૂઝાય નહીં એવી જે જ્યોત પ્રગટે છે તેને જૈન પરિભાષામાં ‘કેવળજ્ઞાન’ કહેવાય છે. જ્યારે આ કેવળજ્ઞાન પ્રગટે ત્યારે તેની સાથે જ અંદરની મન:સ્થતિમાં જરા જેટલી પણ હલચલ મચાવી શકે એવા બધા કર્મો ખરી પડે છે. આવું ‘કેવળજ્ઞાન’ દેવાર્યને પ્રગટે છે. એ વખતે દેવાર્યની આજુબાજુ સર્જાયેલા અમાપ તેજોવર્તુળથી ખેંચાઈને દેવો અને દેવરાજ ઈન્દ્ર પણ આવી જાય છે. લોકો પણ અદ્ભુત પ્રભાવથી ખેંચાઈને આવે છે. હવે ભગવાન મહાવીર કેવળજ્ઞાનની જ્યોતિમાં જે પરમસત્ય જોઈ રહ્યા છે તે આવેલાઓને સમજાવે એ રોજનો ક્રમ બની જાય છે.
ભગવાન મહાવીરનું જીવન ઘણી વિશિષ્ટતાઓથી ભરેલું છે. તેમાંની વધુ એક વિશિષ્ટતા એ કે તેમના કેવળજ્ઞાન પછીના ઉપદેશને સૌથી ઉત્કૃષ્ટ રીતે ઝીલનારા, તેમના પટ્ટશિષ્ય તરીકેનું સ્થાન પામનાર ૧૧-૧૧ વ્યક્તઓ કોઈ વણિક કે ક્ષત્રિય નહીં પણ બ્રાહ્મણ હતા. તે અગિયારેય બ્રાહ્મણો જીવન સાથે સંકળાયેલા મૂળભૂત પ્રશ્નો લઈને ભગવાન મહાવીર સાથે ચર્ચા કરવા આવેલા. મહાવીર પ્રભુએ તેમના હૃદયને સંતોષ થાય તેવા સમાધાનો આપ્યા ને તેમણે સહુએ મહાવીરપ્રભુનું શિષ્યત્વ સ્વીકાર્યું. એ રસપ્રદ વાત છે કે ભગવાન મહાવીરનો આ પ્રથમ ઉપદેશ આજે પણ ૨૦૦૦ થીય વધુ વર્ષ જૂના શાસ્ત્રમાં સંઘરાયેલો મળે છે. આવા પટ્ટશિષ્યોને જૈન પરિભાષામાં ‘ગણધર’ કહેવાય છે. જે ૧૧ ગણધરોમાં ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી મુખ્ય છે.