Ep-9: શ્રી કોરટા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, લગભઘ ૧૩૫ સે.મી. પ્રાચીન મૂળનાયક (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: કોરટા ગામની બહાર એકાન્ત જંગલમાં
પ્રાચીનતા: એક સમયે કોરટા મુખ્ય નગર હતું. તેમજ અહીંની લોકસમૃદ્ધિનો કોલાહલ વિશાલ આકાશમાં ગુંજતો હતો.

આ મંદિરની પ્રતિષ્ઠા ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનાં ૭૦ વર્ષ પછી ઉપકેશગચ્છીય ઓશવંશના સંસ્થાપક શ્રી પાર્શ્વનાથ સંતાનીય શ્રી કેશીગણઘરના પ્રશિષ્ય તેમ જ શ્રી સ્વયંભસૂરિજીના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિશ્વરજીના શુભહસ્તે મહા સુદ પાંચમને ગુરુવારના દિને ઘન લગ્ન બ્રહ્મ મૂહુર્તમાં થયાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળી આવે છે. રાજા ભોજની સભાના પંડિત રત્ન ધનપાલે વિ.સં. ૧૦૮૧માં રચેલા 'સત્યપુરીય શ્રી મહાવીરોત્સાહ' માં કોરટા તીર્થનું વર્ણન કર્યુ છે.
‘ઉપદેશ તરંગિણી' ગ્રંથમાં લખ્યા મુજબ વિ.સં. ૧૨૫૨માં નાહડ મંત્રી દ્વારા 'નાહડવસદિ' વગેરે અનેક
જિનમંદિરો બંધાવ્યાનો તેમજ વૃદ્ધદેવ સૂરિશ્વરજી દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ મળે છે.
તપાગચ્છીય શ્રી સોમસૂંદરસૂરિશ્વરજીના સમકાલીન કવિ મેઘણિ દ્વારા સં. ૧૪૯૯માં રચેલા 'તીર્થમાળા' ગ્રંથમાં પણ આ તીર્થનું વર્ણન કરેલું છે. વિ.સં. ૧૭૨૮માં શ્રી વિજયણિના ઉપદેશથી આ તીર્થનો ઉદ્ધાર થયાનો તેમજ પ્રાચીન પ્રતિમા લુપ્ત થતાં મહાવીર ભગવાનની બીજી પ્રતિમાની પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે. આ પ્રતિમા પણ ખંડિત થઈ જવાથી વિ.સં. ૧૯૫૯ના વૈશાખ સુદ પૂનમના રોજ નવી પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રી વિજયરાજેન્દ્રસૂરિશ્વરજીના શુભ હસ્તે કરવામાં આવી. પ્રાચીન પ્રતિમા મંડપમાં બિરાજમાન છે. થોડા વર્ષો પહેલાં પુનઃ જીર્ણોદ્ધારનું કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું હતું જે હજુ પણ ચાલું છે.

વિશિષ્ટતા: વીર નિર્વાણના ૭૦ વર્ષ પછી કોરંટકગચ્છની સ્થાપના અહીં જ થઈ હતી. જેના સ્થાપક આચાર્યશ્રી રત્નપ્રભસૂરિશ્વરજીના ગુરુભાઈ આચાર્યશ્રી કનકપ્રભસૂરિશ્વરજી માનવામાં આવે છે. ઓસવંશના સ્થાપક આચાર્યશ્રી રત્નપ્રભસૂરિશ્વરજીએ પોતાના અલૌકિક વિદ્યાથી બે રૂપ ધારણ કરીને એક જ મુહૂર્તમાં ઓસિયાંના તેમજ કોટાના મંદિરોમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વિ. સં. ૧૨૫૨માં આચાર્યશ્રી વૃદ્ધદેવસૂરિશ્વરજીએ મંત્રી નાહક તેમ જ સાલિંગને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા હતા. તેમની સાથે હજારો કુટુંબીજનો પણ જૈન બન્યા હતાં.
બીજા મંદિરો: આ ઉપરાંત ગામમાં શ્રી આદિનાથ ભગવાનનું પ્રાચીન મંદિર તથા એક ગુરુ મંદિર છે.
આદિનાથ ભગવાનની પ્રતિમા પ્રાચીન તેમજ સુંદર છે.
કલા અને સૌંદર્ય: પ્રાચીન મૂળ નાયક ભગવાનની પ્રતિમા અત્યંત સુંદર તેમ જ કલાત્મક છે. ગામમાં આવેલા આદિનાથ ભગવાનના મંદિરમાં કેટલીક પ્રાચીન પ્રતિમાઓની કલા દર્શનીય છે. આ મંદિરની નીચે સંગ્રહાલય છે. જેમાં તેરમી સદીના પ્રાચીન તોરણો વગેરે કલાત્મક અવશેષો જોવાલાયક છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન જવાઈબંધ લગભગ ૨૪ કિ.મી. દૂર છે. નજીકનું મોટું શહેર શિવગંજ ૧૩ કિ.મી. દૂર છે. અહીંથી ઓટો તથા ટેકસીની સગવડતા છે. મંદિર સુધી બસ તથા કાર જઈ શકે છે.
સગવડતા: રહેવા માટે ગામમાં મંદિરની સામે ધર્મશાળા છે. અહીં પાણી, વીજળી, વાસણ, ગાદલાં-ગોદડા, ભોજનશાળા તથા ભાતાની વ્યવસ્થા છે. મંદિરની સામે બગીચો બનાવવાની યોજના છે.
પેઢી: શ્રી કોરટાજી જૈન શ્વેતાંબર તીર્થ પેઢી, પોસ્ટ : કોરટા ૩૦૬ ૯૦૧, વાયા : શિવગંજ, જીલ્લો પાલી,પ્રાંત : રાજસ્થાન, ફોન : ૦૨૯૩૩-૪૮૨૩૫, શિવગંજ પેઢી - ૦૨૯૭૬- ૬૦૯૬૯