ભારતમાં ભગવાન મહાવીર ના પ્રાચીન તીર્થસ્થાનો

Ep-12: શ્રી બામણવાડ તીર્થ

Blog post image

[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ, પંચતીર્થી, કલાત્મક ]


તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, પ્રવાલ વર્ણ, લગભગ ૬૦ સેં.મી. (શ્વે. મંદિર)

તીર્થ સ્થળ: સિરોહી રોડથી ૭ કિ.મી. દૂર વીરવાડાની પાસે જંગલમાં પહાડોની ઓટમાં.

પ્રાચીનતા: શિલાલેખોમાં આનું પ્રાચીન નામ બ્રહ્મણવાટક કહેવાયું છે. આ તીર્થ જીવિત સ્વામીના નામથી પ્રસિદ્ધ છે. તપાગચ્છ પટ્ટાવલી અનુસાર સંપ્રતિરાજાએ અહીં મંદિર બનાવ્યું હતું સંપ્રતિરાજાને પ્રતિવર્ષ પાંચ તીર્થોની ચાર વાર યાત્રા કરવાનો નિયમ હતો. જેમાં બ્રાહ્મણવાડનું નામ પણ આવે છે. નાગાર્જુનસૂરિ, સ્કન્દનસૂરિ તથા પાદલિપ્તસૂરિ આચાર્યોને પણ પાંચ તીર્થોની યાત્રાનો નિયમ હતો, તેમાં બ્રાહ્મણવાડ તીર્થનો પણ નિર્દેશ છે. શ્રી જયાનન્દસૂરિજીના ઉપદેશથી વિ.સં. ૮૨૧ની આસપાસ પોરવાલ મંત્રી શ્રી સામંતશાહે અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમાં પણ બ્રાહ્મણવાડ તીર્થ છે. અંચલગચ્છીય મહેન્દ્રસૂરિજી દ્વારા વિ.સં. ૧૩૦૦ની આસપાસ રચાયેલ “અષ્ટોતરી તીર્થમાળા'માં અહીં મહાવીર ભગવાનના મંદિરમાં પ્રભુના ચરણ અને સ્તૂપ રહેવાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૭૫૦માં પંડિત શ્રી સૌભાગ્યવિજયજી દ્વારા રચાયેલ “તીર્થમાળા”માં પણ અહીં વીરપ્રભુના ચરણોનો ઉલ્લેખ છે. કવિ શ્રી લાવણ્યસમયણિએ વિ.સં. ૧૫૨૯માં, શ્રી વિશાલ સુંદરજીએ વિ.સં. ૧૬૮૫માં, પં. શ્રી ક્ષેમકુશળજીએ વિ.સં. ૧૬૫૭માં અને શ્રી વીરવિજયજીએ વિ.સં. ૧૭૦૮માં રચેલ તીર્થ સ્તોત્રોમાં પણ આ તીર્થની મહિમા ગાય છે. આ પ્રાચીન તીર્થનો અનેકવાર જીણોદ્ધાર થયો હશે. હાલમાં જ પૂનઃજીર્ણોદ્ધાર શ્રી કલ્યાણજી પરમાનન્દજી પેઢી દ્વારા કરવામાં આવ્યું.

વિશિષ્ટતા: કહેવાય છે કે ભગવાન શ્રી મહાવીરના કાનોમાં ખીલા લગાવવાનો ઉપસર્ગ અહીં થયો હતો,

જ્યાં પ્રભુની ચરણ પાદુકાઓ છે. આચાર્ય શ્રી નાગાર્જુનસૂરિજી, શ્રી સ્કન્દનસૂરિજી, શ્રી પાદલિપ્તસૂરિજી તથા રાજા શ્રી સંપ્રતિ અહીં નિર્યામતરૂપે દર્શનાર્થે આવતા હતા.

સિરોહીના શ્રી શિવસિંહજી મહારાજને રાજગાદી મળવાની કોઈ આશા ન હોતી, પરંતુ આ તીર્થ પર શ્રદ્ધાભક્તિને કારણે તેઓ સિરોહીના રાજા બન્યા. આથી તેમણે આ તીર્થની સુવ્યવસ્થા માટે આસપાસની અરહટ (રેંટ) વાવડીઓ, ખેતી યોગ્ય ભૂમિ આદિ ભેટ કરીને વિ.સં. ૧૮૭૬ જેઠ સુદ ૫ ના દિને તામ્રપત્ર લખીને અર્પણ કર્યું. અહીં હજુ પણ ચમત્કારિક ઘટનાઓ બને છે. તથા શ્રદ્ધાળુ ભક્તજનોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

વિ.સં. ૧૯૮૯માં અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર પોરવાલ સમ્મેલન અહીં આબુના યોગીરાજ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજીની નિશ્રામાં ભયયું હતું એ ઉલોખનીય છે. સમ્મેલનની પૂર્ણાહુતિના સમયે ફાગણ વદ-૩ના શુભ દિને શ્રી સંઘ દ્વારા યોગીરાજને ઘણી પદવીઓથી અલંકૃત કરવામાં આવ્યા હતા. અત્યારે હમેશાં સેંકડો યાત્રાળુઓ આવે છે. દર મહિનાની સુદ અગિયારસના દિવસે ભક્તગણો વિશેષ આવે છે.


bamanwara2.jpg

બીજાં મંદિરો: ટેકરી પર સમેતશિખરસ્તીર્થની રચના અત્યંત સુંદર રીતથી કરવામાં આવી છે તે દર્શનીય છે. ભગવાન મહાવીરના કાનોમાં ખીલા મારવાનો ઉપસર્ગ અહીં થયો બતાવવામાં આવે છે, તે સ્થાને ચરણ પાદુકાઓ છે. ટેકરી ઉપર એક ઓરડો છે, જ્યાં આબુના યોગીરાજ શ્રી વિજયશાંતિસૂરિજી મહારાજ પ્રાય: ધ્યાન કરતા હતા, જે પાટ ઉપર તેઓ બેસતા હતા ત્યાં છબી રાખેલ છે, તથા એ ઓરડાંમાં તેમની મૂર્તિ પણ દર્શનાર્થે મૂકેલ છે.

કલા અને સૌંદર્ય: મંદિરમાં શ્રી મહાવીર ભગવાનના ૨૭ ભવનો પટ આરસ પાષાણમાં બનાવેલ છે. તે અત્યંત સુંદર અને દર્શનીય છે. રેતીની બનેલ પ્રભુપ્રતિમા અત્યંત સુદર અને પ્રભાવશાળી છે. પ્રત્યેક ભક્તનું હૃદય સહજતાથી એમાં તલ્લીન બની જાય છે. જંગલમાં આ સ્થાન આવેલ હોવાથી અહીંનું પ્રાકૃતિક દશ્ય પણ અત્યંત શાંતિપ્રદ છે..

માર્ગદર્શન: અહીંથી નજીકનું રલ્વે સ્ટેશન સિરોહી રોડ ૭ કિ.મી. દૂર છે. ત્યાંથી બસ તથા ટેકસીની સગવડતા છે. પીંડવાડા ગામ સિરોહી રોડ સ્ટેશનની પાસે જ ૮ કિ.મી. દૂર છે. સિરોહી ગામ ૧૬ કિ.મી. દૂર છે. આબુ તથા સિરોહી રોડથી સિરોહી ગામ જવાવાળી દરેક બસ બામનવાડા થઈને જ જાય છે. ધર્મશાળાની સામે જ બસ સ્ટેન્ડ છે.


bamanwara3.jpg

સગવડતા: રહેવા મોટ મંદિરના પરિસરમાં જ વિશાળ ધર્મશાળા છે. જયાં પાણી, વીજળી, વાસણ, ગાદલાં-ગોઠડાં તથા ભોજનશાળાની પણ સગવડતા છે.

પેઢી: શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢી, જૈન તીર્થ બામનવાડાજી, પોસ્ટ : વીરવાડા ૩૦૭૦૨૨, જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન, ફોન : ૦૨૯૭૧-૩૭૨૭૦.

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.