Ep-30: શ્રી ભદ્રેશ્વર તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, પંચતીર્થી, કલાત્મક ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, લગભગ ૬૧ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: સમુદ્ર કિનારે વસેલા ભદ્રેશ્વર ગામની બહાર પૂર્વ ભાગમાં લગભગ ૧ કિ.મી. દૂર એકાંત રમણીય સ્થળે.
પ્રાચીનતા: આનું પ્રાચીન નામ ભદ્રાવતી નગરી હતું. આ નગરનો મહાભારતમાં પણ ઉલ્લેખ મળી આવે છે. અહીંયા જમીનમાંથી મળેલા પ્રાચીન તામ્રપત્ર પ્રમાણે વિક્રમની પાંચમી સદી પહેલાં તથા ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના નિર્વાણના ૨૩ વર્ષ પછી ભદ્રાવતી નગરીના શ્રાવક શ્રી દેવચન્દ્રે આ ભૂમિ શોધીને તીર્થનું શિલારોપણ કર્યુ અને પ્રભુ નિર્વાણના ૪૫ વર્ષ પછી પરમપૂજય કેવલી કપિલ મુનિના હસ્તે ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એ સુઅવસરે આ નગરના નિવાસી અખંડ બ્રહ્મચારી શ્રી વિજયા શેઠ તથા વિજયા શેઠાણીએ ભગવતી દીક્ષા અંગીકાર કરી હતી એવો પણ ઉલ્લેખ છે. વિ.સં. ૧૧૩૪માં શ્રીમાળી ભાઈઓ દ્વારા અને વિ.સં. ૧૩૧૩-૧૪માં શેઠ જગડુશાહ દ્વારા અહીંના મંદિરનો ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. કાળક્રમે પાછળથી આ નગરને ક્ષતિ પહોંચી તથા આ મંદિરમાં વિરાજેલી પાર્શ્વપ્રભુની પ્રતિમાને એક તપસ્વી મુનિએ સુરક્ષિત રાખી હતી. વિ.સં. ૧૬૮૨થી ૧૬૮૮ ની વચ્ચે શેઠ વર્ધમાન શાહે આ તીર્થનો ઉદ્ધાર કરાવીને શ્રી વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. ત્યારબાદ તે મુનિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાને ફરીથી સંઘને સોંપી, જે આજે પણ મંદિરમાં વિરાજેલી છે. કહેવાય છે કે ત્યારબાદ એક વાર અહીંના ઠાકુરે મંદિરનો કારભાર સંભાળ્યો હતો. વિ.સં. ૧૯૨૦માં જૈન શ્રાવકોએ ઠાકોર સાહેબ પાસેથી ફરીથી કારભાર પાછો લઈને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. છેલ્લો જીર્ણોદ્વાર વિ.સં. ૧૯૩૯માં માંડવીનિવાસી શેઠ મોણસી તેજસીની ધર્મપત્ની મીઠાબાઈએ કરાવ્યો હતો એવો ઉલ્લેખ છે.
વિશિષ્ટતા: વીરપ્રભુના નિર્વાણના ૪૫ વર્ષો પછી પરમ પૂજય કેવલી કપિલ મૂનિ દ્વારા પ્રતિષ્ઠા થયેલી પ્રતિમા અહીંયા છે. તેમના દ્વારા પ્રતિષ્ઠા થયેલી પ્રતિમાઓ બહુ જ ઓછા સ્થળે મળી આવે છે. ૧૩મી સદીમાં દાનવીર શેઠ જગડુશાહનો જન્મ અહીં થયો હતો. તેમણે વ્યાપારમાં દેશપરદેશમાં ખૂબ જ ખ્યાતિ મેળવી હતી તથા ભારતમાં દાનવીરોમાં મશહૂર થયા હતા. તેમણે વિ.સં. ૧૩૫૩ના ભયંકર દુકાળમાં ઠેર ઠેર દાન ક્ષેત્રો તથા અન્ન ક્ષેત્રો ખોલીને ભારતના રાજાઓને મદદ કરી હતી, તે ઉલ્લેખનીય છે. તેમને ત્યાં પરદેશથી અનેક વેપારીઓ આવીને રહેતા હતા અને તેમના માટે હિન્દુ મંદિરો તથા મુસલમાનો માટે મસ્જિદો પણ બંધાવી હતી. આ તેમની ઉદારતાનું પ્રતીક છે. દર વર્ષે ફાગણ સુદ પાંચમના દિવસે ધજા ચઢાવવામાં આવે છે.

બીજા મંદિરો: હાલમાં અહીં આ સિવાય બીજું કોઈ મંદિર નથી.
કલા અને સૌંદર્ય: લગભગ અઢી લાખ ચોરસ ફૂટ વિશાળ મેદાનમાં સુશોભિત દેવવિમાનવૂલ્ય આ મંદિર ખૂબ જ આકર્ષક લાગે છે. ચરમ તીર્થંકર શ્રી વીરપ્રભુની આ પ્રતિમા અદ્ભૂત તથા મનોહર છે. આવી પ્રતિમાના દર્શન બીજે દુર્લભ છે. કેવલી કપિલ મૂનિએ પ્રતિષ્ઠા કરેલી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પણ ખૂબ જ સુંદર તથા પ્રભાવશાળી છે. મંદિરનું નિર્માણ બહુજ સુંદર રીતે કરવામાં આવ્યું છે. પ્રવેશદ્વાર નાનું હોવા છતાં પણ પ્રભુનાં દર્શન બહારથી કરી શકાય ચે. અહીંનું વાતાવરણ અત્યંત શાંત છે.

માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ગાંધીધામ ૩૫ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. મંદિરની પાસે જ ભદ્રેશ્વરનું બસ સ્ટેન્ડ છે. નજીકનું મોટું ગામ મુંદ્રા અહીંથી ૨૭ કિ.મી. દૂર છે. ભૂજ ૮૦ કિ.મી. દૂર છે. મંદિર સુધી પાકો રસ્તો છે. નજીકનું હવાઈ મથક ભૂજ તથા ગાંધીધામ (કંડલા) છે.
સગવડતા: મંદિરની નજીકજ દરેક પ્રકારતી સગવડતાવાળી ધર્મશાળા તથા નવા બ્લોક છે. ભોજનશાળા તથા ભાતાની પણ સુંદર સગવડતા છે. સંઘના લોકો માટે અલગ રસોડાની વ્યવસ્થા છે.
પેઢી: જૈન વર્ધમાન કલ્યાણજી ટ્રસ્ટ, વસઇ જૈન તીર્થ, મહાવીરનગર, પોસ્ટ : ભદ્રેશ્વર - ૩૭૦૪૧૧ તાલુકો : મુંદ્રા, જીલ્લો : કચ્છ, પ્રાંત : ગુજરાત. ફોન : ૦૨૮૩૮-૮૩૩૬૧, ૮૩૩૮૨.