Ep-33: શ્રી મહુવા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુક્ત, પંચતીર્થી ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, લગભગ ૯૧ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: મહુવા ગામની મધ્યમાં.
પ્રાચીનતા: મહુવાનું પ્રાચીન નામ મધુમતી હતું એવો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાંથી મળી આવે છે. શેઠ જાવડશાહ જેમણે વિ.સં. ૧૦૮માં શ્રી શત્રુંજયગિરિનો તેરમો ઉદ્ધાર કરાવ્યો હતો, તેમની આ જન્મભૂમિ છે. બારમી સદીમાં કુમારપાળ રાજાના સમયમાં સવા કરોડ સોનામહોરોની ઉછામણી બોલીને તીર્થમાળા પહેરવાવાળા શેઠ જગડુશાહની પણ આ જ જન્મભૂમિ છે. પ્રભુવીરની પ્રતિમાને જીવિત સ્વામી કહે છે, જેનો ઉલ્લેખ ૧૪મી સદીમાં શ્રી વિનયપ્રભવિજયજી ઉપાધ્યાયજીએ ‘તીર્થમાળા'માં કર્યો છે. તીર્થોદ્ધારક આચાર્ય શ્રી નૈમિસૂરિશ્વરજીની પણ આ જ જન્મભૂમિ તેમજ સ્વર્ગભૂમિ છે. આ સ્થલ શત્રુંજય ગિરિરાજના પંચતીર્થીમાં ગણાય છે. આ બધાથી એ સિદ્ધ થાય છે કે આ ખૂબ જ પ્રાચીન તીર્થસ્થળ છે. આનો જીર્ણોદ્ધાર થઈને ફરીથી વિ.સં. ૧૮૮૫માં મહા સુદ તેરસે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
વિશિષ્ટતા: શત્રુંજય પંચતીર્થીનું આ પણ એક તીર્થ મનાય છે. અહીંના તીર્થાધિરાજ પ્રભુવીરની પ્રતિમાજીને જીવિતસ્વામી કહે છે, જે બીજે બહુ જ ઓછા સ્થળે છે. શાસન પ્રભાવક શેઠ જાવડશા, જગડુશાહ તથા તીર્થોદ્ધારક આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજી આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી જેવા શાસન સમ્રાટોએ અહીં જન્મ લઈને અહીંનું ગૌરવ વધાર્યુ છે.
બીજા મંદિરો: આ મંદિર સિવાય બીજાં મોટાં બે મંદિરો છે.
કલા અને સૌંદર્ય: સમુદ્રકિનારે વસેલા આ ગામનું કુદરતી દૃશ્ય ખૂબ જ મનોરમ છે. જયાં જુઓ ત્યાં નાળિયેરના ઝાડ તથા હરિયાળી જોવા મળે છે, જે મલયગિરિની યાદ અપાવે છે.

માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન મહુવા લગભગ ૧.૧/૨ કિ.મી. દૂર છે. અહીંથી ઓટોની સગવડતા છે. બસ સ્ટેન્ડ મંદિરથી લગભગ ૧૦૦ મીટર દૂર છે. મંદિર સુધી પાકો રસ્તો છે. બસ તથા કાર છેલ્લે સુધી જઈ શકે છે. આ સ્થાન શત્રુંજય તીર્થથી ૭૫ કિ.મી. દૂર છે.

સગવડતા: મંદિરની નજીકજ ધર્મશાળા તથા અતિથિગૃહ છે. અહીં પાણી, વીજળી, વાસણ, ગાદલાં- ગોદડાં તથા ભોજનશાળાની સગવડતા છે.
પેઢી: શ્રી મહુવા વીસાશ્રીમાળી તપાગચ્છીય શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ કેબીન ચોક, પોસ્ટ : મહુવા બંદર - ૩૬૪૨૯૦ જીલ્લો : ભાવનગર, પ્રાંત : ગુજરાત. ફોન : ૦૨૮૪૪-૨૨૫૭૧ (પેઢી), ૦૨૮૪૪-૨૨૨૫૯ (ભોજનશાળા)