Ep-19: શ્રી ભાન્ડવાજી તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, લગભગ ૬૦ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: નાના ભાંડવપુર ગામની બહાર.
પ્રાચીનતા: છે એક સમયે આ વિરાટ નગર હતું. વિ.સં. ૮૧૩ના માગશર સુદ સાતમે વેસાલા ગામમાં પ્રતિષ્ઠા પામેલી આ ભવ્ય પ્રતિમાની વિ.સં. ૧૨૩૩ના મહા સુદ પાંચમના શુભ દિને ફરીથી અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એવો ઉલ્લેખ મળે છે. વિ.સં. ૧૩૪૦ પોષ સુદ નવમી ના દિવસે પુનઃ જીર્ણોદ્ધાર થઈને પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે.
વિશિષ્ટતા: આ સ્થળ પ્રાચીન તો છે જ,તે સાથે ચમત્કારી પણ છે. પ્રભુ પ્રતિમાનો ચમત્કાર પ્રખ્યાત છે.
કહેવાય છે કે વેસાલાનગરમાં જયારે સત્તારૂઢ આક્રમણકારોનું આક્રમણ શરૂ થયું ત્યારે ત્યાંનાં મંદિરને ખૂબ જ ક્ષતિ પહોંચી હતી. આ પ્રભુપ્રતિમાને કોમતા ગામના નિવાસી સંઘવી પાલજી ગાડામાં વિરાજમાન કરાવી, પોતાના ગામ કોમતા તરફ લઈ ચાલ્યા, પરંતુ ગાડું કોમતા ગામમાં ન જતાં મેંગલવા થઈને ભાન્ડવા આવીને ઊભું રહ્યું. સંઘવી પાલજીને સ્વપ્નમાં અહીંયા મંદિર બનાવીને પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવાનો સંકેત મળ્યો. તે અનુસાર સંઘવી પાલજી અને તેમના કુટુંબીજનોએ મંદિરનું નિર્માણ કરાવી વિ.સં. ૧૨૩૩ના મહા સુદ પાંચમના શુભ દિને પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આજે પણ તેમના વંશજો તરફથી દર વર્ષે ધજા ચઢાવવામાં આવે છે. અને તેમની માનતા મુજબ તેમના મનોરથ પૂરા થાય છે. દર વર્ષે ચૈત્ર સુદ તેરસથી પૂનમ સુધી તેમજ કાર્તિક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. આ સમયે હજારો ભક્તજનો અહીં આવીને પ્રભુભક્તિમાં લીન થઈ જાય છે.
બીજા મંદિરો: હાલમાં આ સિવાય એક ગુરુમંદિર છે.
કલા અને સૌંદર્ય: એકાન્ત જંગલમાં વિશાળ પરિકોટની વચ્ચે સ્થિત આ પ્રાચીન બાવન જિનાલય મંદિરમાં પ્રભુ પ્રતિમાની કલા ખૂબ જ આકર્ષક છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન જાલોર પ૬ કિ.મી., વિશનગઢ ૪૦ કિ.મી., મોદરા ૩૫ કિ.મી. તથા ભીનમાલ ૫૦ કિ.મી. દૂર છે. આ બધી જગ્યાએથી બસ તથા ટેકસીની સગવડતા છે. બસ તથા કાર છેલ્લે મંદિર સુધી જઈ શકે છે.

સગવડતા: રહેવા માટે મંદિરના પરિસરમાં જ દરેક પ્રકારની સગવડતા વાળી ધર્મશાળા છે. અહીં ભોજનશાળા તથા ભાતાની પણ સગવડતા છે.

પેઢી: શ્રી મહાવીર જૈન શ્વેતાંબર પેઢી, ભાંડવપુર તીર્થ, ગામ : ભાડવપુર તીર્થ, પોસ્ટ : મેંગલવા ૩૪૩ ૦૨૨, જીલ્લો :જાલોર, પ્રાંત : રાજસ્થાન ફોન : ૦૨૯૭૭-૬૬૬૮૯.