Ep-23: શ્રી મુંડસ્થળ તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, કાર્યોત્સર્ગ મુદ્રા, શ્વેત વર્ણ, લગભગ ૧.૦૭ મીટર (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: મુંગથલા ગામની બહાર.
પ્રાચિનતા: આ તીર્થ મહાવીર ભગવાનના સમયનું માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન મહાવીરે જયારે પોતાની છદ્માવસ્થામાં અર્બુદગિરિની ભૂમિમાં વીચરણ કર્યું ત્યારે મુંડસ્થળમાં નંદી વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા. વિક્રમની તેરમી સદીમાં આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી દ્વારા રચિત 'અષ્ટોત્તરી તીર્થમાળા' માં પણ આનું વર્ણન છે. આ તીર્થમાળામાં એમ પણ કહેવાય છે કે શ્રી પૂર્ણરાજ નામના રાજાએ જિનેશ્વરની ભક્તિને કારણે મહાવીર ભગવાનના જન્મ બાદ ૩૭માં વર્ષે એક પ્રતિમા બનાવી હતી. એક શિલાલેખ ઉપર ભગવાન મહાવીર છદ્માવસ્થાકાળમાં અહીં કાઉસગ્ગ ધ્યાનમાં રહેવાનું તથા પૂર્ણરાજા દ્વારા ભગવાનની પ્રતિમા નિર્મિત કરાવી શ્રી કેશીસ્વામીના સુહસ્તે પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે. ઉપરોક્ત તથ્યોના સર્વેક્ષણની આવશ્યકતા છે, જેથી સારી માહિતી પ્રાપ્ત થાય. વિ.સં. ૧૨૧૬ ચૈત્ર વદ પાંચમને દિને અહીં સ્તંભો નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૩૮૯માં મંત્રી શ્રી ઘાંઘલ દ્વારા મુંડસ્થળમાં મહાવીર ભગવાનના મંદિરમાં જિનેશ્વર ભગવાનની યુગલ પ્રતિમાઓ બનાવી આચાર્ય શ્રી કક્કસૂરિજીના શુભ હસ્તે પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે.
વિક્રમની ચૌદમી સદીમાં શ્રી જિનપ્રભસૂરિજી દ્વારા રચેલ ‘વિવિધ તીર્થ કલ્પ' માં આ તીર્થનો ઉલ્લેખ છે.
વિ.સં. ૧૪૪૨માં રાજા કાન્હડદેવના પુત્ર વિશળદેવે વાડી સાથે કૂવો પણ ભેટ આપ્યો હતો એવો ઉલ્લેખ મળે છે. વિ.સં. ૧૫૦૧ મે તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરજી મહારાજને મુંડસ્થળમાં ઉપાધ્યાયની પદવી આપી હતી.
વિ.સં. ૧૭૨૨માં રચિત 'તીર્થમાળા' માં મુંડસ્થળમાં ૧૪૫ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે.
ત્યારબાદ મંદિર ઘણી જીર્ણ અવસ્થામાં રહ્યું હતું. પુનઃ ઉદ્ધાર થઈ વિ.સં. ૨૦૧૫ વૈશાખ સુદ ૧૦ને દિવસે પ્રતિષ્ઠા થઈ હતી.
વિશિષ્ટતા: ભગવાન મહાવીર છદ્માવસ્થાકાળમાં અહીં પર્દાપણ કરી કાઉસગ્ગ ધ્યાનમાં રહેવાનો ઉલ્લેખ અહીંની મુખ્ય વિશેષતા બતાવે છે. મંત્રીશ્રી વિમળશાહ તથા વસ્તુપાળ તેજપાળે વિમલવસહી તથા લાવણ્યસહીની વ્યવસ્થા હેતુ મંડળોની સ્થાપના કરી ત્યારે મુંડસ્થળના શ્રાવકોને પણ વ્યવસ્થા કાર્યમાં શામેલ કર્યા હતા.
બીજા મંદિરો: વર્તમાનમાં બીજું કોઈ મંદિર નથી.
કલા અને સૌંદર્ય: આજે અહીં કોઈ વિશેષ પ્રાચીન અવશેષ પ્રાપ્ત થતા નથી. ઉલ્લેખો અનુસાર અહીંથી કેટલીક પ્રાચીન પદેખાઓ બહાર મંદિરોમાં મોકલેલી છે.

સગવડતા: રહેવા માટે ધર્મશાળા છે. ભોજનાલય તથા રહેવા માટેની નવી ધર્મશાળાનું કાર્ય લગભગ પૂરું થવા આવ્યું છે.
પેઢી: શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢી, શ્રી મુંડસ્થલ મહા તીર્થ, પોસ્ટ : મૂંગથલા - ૩૦૭ ૦૨૬, જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન.