ભારતમાં ભગવાન મહાવીર ના પ્રાચીન તીર્થસ્થાનો

Ep-6: શ્રી ઓસિયાં તીર્થ

Blog post image

[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ, કલાત્મક ]


તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પજ્રાસનસ્થ, સ્વર્ણ વર્ણ, લગભગ ૮૦ સે.મી. (શ્વે. મંદિર)

તીર્થસ્થળ: ઓસિયા ગામની મધ્યમાં

પ્રાચીનતા: આ નગરીનું પ્રાચીન નામ ઉપકેશ પદણ, ઉરકેશ, મેલપુરપત્તન, નવનેરી વગેરે હોવાના ઉલ્લેખો મળે છે. વિક્રમની ચૌદમી સદીમાં રચિત ઉપકેશગચ્છ પટ્ટાવલી અનુસાર વિક્રમની ચાર શતાબ્દી પૂર્વ લગભગ વીર નિર્વાણ ૭૦માં શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાતમા પાટેશ્વર આચાર્યશ્રી રત્નપ્રભસૂરીશ્વરજી પોતાનાં પાંચસો શિષ્ય સમુદાય સહિત અહીં પધાર્યા હતા. ત્યારે અહીંના રાજા ઉપલદેવ અને મંત્રી ઉહડ હતા. રાજા ઉપલદેવ અને મંત્રી ઉહડે આચાર્ય શ્રીથી પ્રતિબોધ મેળવી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. રાજા ઉપલદેવ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવી આચાર્યશ્રીના સુહસ્તે આ પ્રભુ પ્રતિમા પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે. કોઈ એક સમયે આ એક પ્રભાવશાળી વિરાટ નગરી હતી. આ નગરીનું ક્ષેત્રફળ બહુ જ મોટું હતું. લોહાવટ અને તિવરી વગેરે આના મહોલ્લા હતા.

શ્રી હીર ઉદયના શિષ્ય શ્રી નયપ્રમોદ દ્વારા સં. ૧૭૧૨માં રચિત “ઓસિયાં વીર સ્તવન" માં આ પ્રતિમાને સંપ્રતિ દ્વારા નિર્મિત થયેલી બતાવવામાં આવેલ છે. સદીઓ સુધી ભૂગર્ભમાં રહ્યા પછી જયારે ઉહડ મંત્રીએ આ નગરી વસાવી ત્યારે આચાર્ય શ્રી રત્નપ્રભસૂરશ્વિરજીના પદાર્પણ અહીં થયાં અને ઉહડ મંત્રીએ આચાર્યશ્રીથી પ્રતિબોધ મેળવી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. એ વખતે આ પ્રતિમા ભૂગર્ભમાંથી પ્રગટ થઈ હતી, જેને મંદિરનું નવનિર્માણ કરાવી સં. ૧૦૧૭ મહા વદ આઠમના દિવસે પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે.

“ ઓસવાલ ઉત્પત્તિ" શીર્ષકવાળા હસ્તલિખિત પત્રમાં ઉહડ મંત્રી દ્વારા સં. ૧૦૧૧માં ઓસિયાં વસાવ્યાનો અને સં. ૧૦૧૭માં મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ છે.

પુરાતત્વેતાઓ અનુસાર અહીંની શિલ્પકલા આઠમી સદીની માનવામાં આવે છે.

કોરટાના ઇતિહાસમાં વીર પ્રભુના નિર્માણના ૭૦ વર્ષ પછી આચાર્યશ્રી રત્નાપ્રભુસૂરીશ્વરજી દ્વારા એક જ મહર્તમાં કોસ્ટા અને ઓસિયાં નગરીમાં જિન મંદિરોની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. ભિનમાલના ઈતિહાસમાં પણ રાજકુમાર ઉપલદેવ અને મંત્રી ઉહડ દ્વારા આ જ સમયમાં અહીં ઉપકેશનગર વસાવ્યાનો ઉલ્લેખ છે.

નયપ્રમોદ દ્વારા રચિત "ઓસિયા વીર સ્તવન" અનુસાર જે આ નગરી જ વિક્રમની ૧૨મી સદીમાં વસાવેલી હોય તો તેના સાતસો વર્ષ પૂર્વે સંપ્રતિ રાજા અહીં આવે અને પ્રતિમા નિર્મિત કરે એવું બને નહીં. સાહમી સદીની શિલ્પકલા પણ અહીં કેવી રીતે મળી આવે ?

તેથી પ્રમાણો અનુસાર એ સિદ્ધ થાય છે કે આ નગરી વીર પ્રભુના નિર્વાણના લગભગ ૭૦ વર્ષ પછી વસી હતી. અને આ મંદિરનું નિર્માણ પણ એ જ સમયમાં થયું હતું. સમયે સમયે જરૂરી જીર્ણોદ્ધાર તો થતો જ રહે છે. એ રીતે આઠમી સદીમાં જીર્ણોદ્ધાર થયો હશે પણ પ્રતિમા એ જ પ્રાચીન આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીશ્વરજીના સમયમાં ભૂગર્ભમાંથી પ્રગટ થયેલી તેની પુનઃ પ્રતિષ્ઠા થઈ જે આજે પણ વિધમાન છે. હમણાં પણ જીર્ણોદ્ધાર નું કામ ચાલુ છે. જેનો થોડાં વર્ષો પહેલાં પ્રારંભ થયો હતો.

વિશિષ્ટતા: ભગવાન મહાવીરના ૭૦ વર્ષ પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાતમા પાટેશ્વર આચાર્યશ્રી રત્નપ્રભસૂરિશ્વરજીએ અહીંના રાજા ઉપલદેવ, મંત્રી ઉહડ અને અનેક શૂરવીર રાજપુતોને મદિરા, માંસ ત્યાગ કરાવીને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો હતો અને ઓશવંશની સ્થાપના અહીંજ કરીને તેમણે ઓશવંશમાં પરિવર્તિત કર્યા હતા. ઓશવંશનું ઉત્પત્તિસ્થાન રહેવાથી અહીંની મુખ્ય વિશેષતા છે.

osiya.jpg

આજે ઓશવંશના શ્રાવકગણ ભારતમાં જ નહીં દુનિયાના દરેક ખૂણે ખૂણે વસેલા છે અને લગભગ બધા જ સમૃદ્ધિશાળી છે. જેઓ સદીઓથી ધર્મપ્રભાવનાના અને પરોપકારનાં અનેક કાર્યો કરી રહ્યા છે. આ બધું આચાર્ય દ્વારા શુભ સમયમાં થયેલી સ્થાપનાનું જ કારણ છે.

ઓશવાલ સમાજનાં હર વ્યક્તિ પોતાનાં પૂર્વજોની પવિત્ર ભૂમિ પર ઓશવંશના સંસ્થાપક દ્વારા પ્રતિષ્ઠિત મહાવીર ભગવાનનાં દર્શન કરવાનો અવસર ન ચૂકે. 277

મંદિરમાં શ્રી પુનિયા બાબાના નામથી પ્રખ્યાત અતિ ચમત્કારી શ્રી અધિષ્ઠાયક દેવની પ્રતિમા નાગ- નાગણીના રૂપમાં વિરાજીત છે. આ પ્રતિમા પણ મૂળ પ્રતિમા ના સમયની જ માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રી

ચામુંડાદેવીને આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીશ્વરજીએ પ્રતિબોલિત કરીને સમ્યકત્વી બનાવી અને શ્રી સચ્ચાઈયાં માતાના નામથી અલંકૃત કરેલ હતી. જેમની દિવ્ય શક્તિ થી ગૌદુગ્ધ અને રેતીથી ભગવાન મહાવીરની પ્રતિમા બની અને આચાર્યશ્રી દ્વારા પ્રતિષ્ઠિત થઈ. એ જ પ્રતિમા હજુ પણ મૂળ નાયકના રૂપમાં વિધમાન છે.

દર વર્ષે ફાગણ સુદ ત્રીજના દિવસે અહીં વાર્ષિક મેળો ભરાય છે, જેમાં હજારો ભક્તગણ ભાગ લઈ પ્રભુભક્તિનો લાભ લે છે.

બીજા મંદિરો: આ મંદિરથી ૧ કિ.મી. દૂર ગામની પૂર્વે ટેકરી પર દાદાવાડી છે. જયાં આચાર્યશ્રી રત્નપ્રભસૂરીશ્વરજી વગેરેની ચરણ પાદુકાઓ બિરાજીત છે. શ્રી સચ્ચાઈયાં માતાજીનું પ્રસિદ્ધ મંદિર પણ અહીંથી ૧ કિ.મી. દૂર છે.

કલા અને સૌંદર્ય: ઓસિયાં એક ધર્મતીર્થ છે અને સાથે સાથે કલાતીર્થ પણ છે. શિલ્પ અને કલાની દૃષ્ટિએ ઓસિયાં વિશ્વમાં પ્રસિદ્ધ છે. પથ્થરો પર કોતરી કાઢેલી અહીંની કલાત્મક પ્રતિમાઓ અદ્વિતીય છે. અહીંનું ભગવાન મહાવીરનું મંદિર અને અન્યમંદિરો પોતાની વિશાળતા, કલાગત વિશેષતા અને સૌંદર્યને લીધે વિશ્વવિખ્યાત છે. રંગમંડપમાં સ્તંભો ઉપર નાગકન્યાઓનાં દૃશ્ય અને દિવાલો પર દેવીદેવતાઓનાં દશ્ય બહુ જ સુંદર રીતે અંકિત થયેલાં છે. એ સિવાય દેરીઓમાં બહાર ભગવાન નેમિનાથનું જીવનચરિત્ર, ભગવાન મહાવીરનો અભિષેક મહોત્સવ અને ગર્ભહરણનું દશ્ય બહુ જ સજીવ છે. અષ્ટ પહલુ મંડપમાં આચાર્યશ્રી પોતાના સાધુઓ અને શ્રાવકોને ઉપદેશ ઠે છે એ ચિત્ર સ્થાપનાચાર્ય યુક્ત અંકિત છે. નૃત્યમંડપમાં ગુંબજનાં નર્તિકાઓ સાજ સાથે નૃત્ય કરતી બતાવી છે તે અતિ આકર્ષક રમણીય મુદ્રાથી અંકિત છે. મંદિરની ભમતીમાં પ્રસિદ્ધ તોરણની કારીગરી અતિ આકર્ષક છે. આ સ્થળ પુરાતત્ત્વ દષ્ટિકોણથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અહીં પ્રાચીનતા અને શિલ્પકલાની શોધ માટે આવતા રહે છે.

માર્ગદર્શન: ઓસિયાં રેલ્વે સ્ટેશન જોધપુર- જૈસલમેર રેલમાર્ગ પર સ્થિત છે અને મંદિરથી લગભગ ૧ કિ.મી. દૂર છે. સ્ટેશન પર ટેકસી તથા ઓટોની સગવડતા છે. આ સ્થાન જોધપુર-ફલોદી સડકમાર્ગ પર આવેલ છે. અહીંથી જોધપુર ૬૦ કિ.મી. તથા ફલોદી લગભગ ૬૫ કિ.મી. દૂર છે. બસ સ્ટેન્ડથી મંદિર લગભગ ૧/૨ કિ.મી. દૂર છે. તથા મંદિર સુધી પાકો રસ્તો છે તેથી બસ તથા કાર મંદિર સુધી જઈ શકે છે. અહીંથી જોધપુર, જયપુર, અમદાવાદ, સૂરત, બિકાનેર, નાગૌર, ફલૌદી તથા જૈસલમેર જવા માટે બસ મળી રહે છે.


osiya3.jpg

સગવડતા: મંદિરના પરિસરમાં જૂની ધર્મશાળા છે. એ સિવાય દરેક પ્રકારની સગવડતા વાળી શ્રી રત્નપ્રભસૂરિ ઓસવાલનગરની ધર્મશાળા પણ છે. જેનાં પ્રાંગણમાં બસ તથા કાર ઊભી રહી શકે છે. અહીં ભોજનશાળા તથા નાસ્તાની પણ સગવડતા છે.

પેઢી: શ્રી મંગલસિંહ રતનસિંહ દેવની પેઢી ટ્રસ્ટ, પોસ્ટ : ઓસિયાં - ૩૪૨ ૩૦૩,

જીલ્લો જોધપુર , પ્રાંત : રાજસ્થાન, ફોન : : ૦૨૯૨૨- ૭૪૨૩૨, ૭૪૨૫૧


Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.