Ep-8: શ્રી હથુન્ડી તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, રક્ત પ્રવાલ વર્ણ, ૧૩૫ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: બિજાપુર ગામથી ૩ કિ.મી. દૂર છટાયુક્ત પહાડો વચ્ચે.
પ્રાચીનતા: શાસ્ત્રોમાં આનું નામ હસ્તિકુન્ડી, હાથીકુંડી, હસ્તકુંડિકા વગેરે બતાવેલું છે. મુનિ શ્રી જ્ઞાનસુંદરજી મહારાજ દ્વારા રચિત “શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાનો ઈતિહાસ” માં આ મહાવીર ભગવાનના મંદિરનું નિર્માણ વિ.સં. ૩૭૦માં શ્રી વીરદેવ શ્રેષ્ઠી દ્વારા થઈને આચાર્યશ્રી સિદ્ધસૂરિશ્વરજીના સુહસ્તે પ્રતિષ્ઠિત થયાનો ઉલ્લેખ છે. રાજા હરિવર્ધનના પુત્ર વિદગ્ધરાજ રાજાએ મહાન પ્રભાવક આચાર્યશ્રી યશોભદ્રસૂરિશ્વરજીના શિષ્ય આચાર્યશ્રી બલિભદ્રસૂરિજી (જેમને વાસુદેવાચાર્ય અને કેશવસૂરિજી પણ કહેતા હતા) થી પ્રતિબોધ મેળવીને જૈન ધર્મ અંગીકાર કર્યો હતો અને વિ.સં. ૯૭૩માં લગભગ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી. રાજા વિદગ્ધરાજના વંશજ રાજા મમ્મટરાજ, ઘવલરાજ, બાલપ્રસાદ આદિ રાજાઓ પણ જૈન ધર્મના અનુયાયી હતા. તેમણે પણ ધર્મપ્રચાર અને પ્રસાર માટે પૂરતું યોગદાન આપ્યું હતું અને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી ભેટપત્ર પ્રદાન કર્યા હતા.
વિ.સં. ૧૦૫૩માં શ્રી શાન્ત્યાચાર્યના સુહસ્તે અહીં શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત થયાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૩૩૫માં સેવાડીના શ્રાવકોએ અહીં શ્રી રાતા મહાવીર ભગવાનના મંદિરમાં ધ્વજા ચઢાવવાનો ઉલ્લેખ છે. લગભગ વિ.સં. ૧૩૪૫માં આનું નામ હથુન્ડી પડયું હતું. એવો ઉલ્લેખ પણ મળે છે. વચ્ચે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા કેમ બદલાઈ અને એ જ શ્રી રાતા મહાવીર ભગવાનની પ્રતિમા કેમ અને કયારે પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી એનો ઉલ્લેખ નથી. અહીં પુનઃ જીર્ણોદ્વાર વિ.સં. ૨૦૦૬માં થયો અને પંજાબ કેસરી યુગવીર આચાર્યશ્રીમદ્ વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજના સુહસ્તે ઘણા જ ઉલ્લાસમય અને વિરાટ મહોત્સવ સાથે પ્રતિષ્ઠા કાર્ય સંપન્ન થયું. પ્રતિમા એ જ પ્રાચીન ચોથી શતાબ્દીની, હજુ પણ વિદ્યમાન છે.
વિશિષ્ટતા: અહીં ભગવાન મહાવીરની પ્રતિમાની નીચે સિંહનું લાંછન છે. તેનું મુખ હાથીનું છે. કદાચ એથી આ નગરીનું નામ હસ્તીકુન્ડી પડયું હોય.આ પ્રકારનું લાંછન અન્યત્ર કોઈ પણ પ્રતિમા પર જોવામાં નથી આવતું, એ આની એક વિશેષતા છે.
આચાર્ય શ્રી કક્કસૂરિ અષ્ટમ, શ્રી વાસુદેવાચાર્ય, શ્રી સાંતિભદ્રાચાર્ય, શ્રી શાન્તાચાર્ય, શ્રી સૂર્યાચાર્ય આદિ પ્રકાંડ વિદ્વાન આચાર્યોએ અહીં પર્દાપણ કરી અનેક પ્રકારની ધર્મભાવનાનાં કાર્યો કર્યો જે ઉલ્લેખનીય છે.
શ્રી વાસુદેવાચાર્ય હસ્તિકુન્ડીગચ્છની સ્થાપના અહીં કરી હતી. અહીંથી જ આચાર્યશ્રીએ આહડના રાજા શ્રી અલ્લાટની મહારાણીને રેવતીદોષની બિમારીથી મુક્ત કર્યા હતા. કોઈ એક સમયે આ પર્વતમાળા પર વિરાટ નગરી હતી અને આઠ કૂવા અને નવ વાવડીઓ હતી, એવી કહેવત છે કે લગાતાર ૧૬૦૦ પાણિયારીઓ પાણી ભરતી હતી.
ઝામડ અને રાતડિયા, રાઠોડ, હથુંડિયા ગોત્રોનું ઉત્પત્તિ સ્થાન પણ આ જ છે. તેમના પૂર્વજ રાજા જગમાલસિંહજીએ વિ.સં. ૯૮૮માં આચાર્યશ્રી સર્વદેવસૂરિજી અને રાજા શ્રી અનંતસિંહજીએ વિ.સં. ૧૨૦૮માં આચાર્યશ્રી જયસિંહદેવસૂરિજીના ઉપકારોથી પ્રભાવિત થઈ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. દર વર્ષે ચૈત્ર સુદ ૧૩ના રોજ વિશાળ મેળો ભરાય છે. જયારે પહાડોમાં રહેતા આદિવાસી, ભીલ, ગરાસિયા તેમ જ દૂરદૂરથી હજારો ભક્તગણ આવી પ્રભુભક્તિમાં તલ્લીન બની જાય છે. અહીંના રેવતી યક્ષ ઘણા ચમત્કારી છે. જેની પ્રતિષ્ઠા પ્રકાંડ વિદ્વાન આચાર્યશ્રી યશોભદ્રસૂરિજીના શિષ્ય શ્રી વાસુદેવાચાર્યે વિ.સં. ૧૨૦૮માં કરાવી હતી.
બીજા મંદિરો: આ સિવાય નવનિર્માણ થયેલા શ્રી મહાવીર વાણીના પાંચ માળના સમવસરણ મંદિર છે.
કલા અને સૌંદર્ય: અતિ પ્રાચીન ક્ષેત્ર હોવાથી હજુ પણ પ્રાચીન અવશેષો મળી આવે છે. પ્રભુ મહાવીરની પ્રતિમાની કલા પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પ્રાચીન રાજમહેલોનાં ખંડેરો અને પ્રાચીન કૂવાઓ અને વાવ હજુ પણ પ્રાચીન કહેવતોની યાદ અપાવે છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન જવાઈબાંઘ લગભગ ૨૦ કિ.મી. તથા ફાલના ૨૮ કિ.મી. દૂર છે. આ જગ્યાએથી ટેકસી તથા બસની સગવડતા છે. અહીંનું બસ સ્ટેન્ડ બીજાપુર ગામમાં છે. જે લગભગ ૩ કિ.મી. દૂર છે. અહીંથી ટેકસી તથા ઓટોની સગવડતા છે. મંદિર સુધી કાર તથા બસ જઈ શકે છે. રાણકપુર તીર્થ અહીંથી લગભગ ૪૦ કિ.મી. અને બાલી લગભગ ૨૫ કિ.મી. દૂર છે.

સગવડતા: રહેવા માટે મંદિરની નજીક બે દરેક પ્રકારની સગવડાવાળી ધર્મશાળાઓ, મોટા હોલ, બ્લોક તથા ગેસ્ટહાઉસ છે. અહીં ભોજનશાળા તથા ગેસ સિસ્ટમ સાથે રસોડાની વ્યવસ્થા છે.
પેઢી: શ્રી હથુંડી રાતા મહાવીર સ્વામી તીર્થ, પોસ્ટ : બીજાપુર - ૩૦૬ ૭૦૭, જીલ્લો : પાલી, પ્રાંત : રાજસ્થાન, ફોન: ૦૨૯૩૩- ૪૦૧૩૯