Ep-2: જન્મ
ત્રિશલામાતા ગર્ભને સારી રીતે સાચવી રહ્યા છે તેવે વખતે ગર્ભસ્થ શિશુની મહાનતાનું જાણે પ્રતિબિંબ ન પડતું હોય, તેમ માતા ને મનમાં ઉંચા સ્તરની ભાવનાઓ-ઇચ્છાઓ પ્રગટે છે. આવી ઈચ્છાઓને દોહદ કહેવાય છે. ત્રિશલામાતાને પ્રગટેલા દોહદો કંઈક આવા હતા : ‘ચારે દિશામાં કોઈ પશુ-પંખી મરે નહીં તેવી અમારી ઘોષણા કરાવું. ગરિબ-ગુરબાં માટે દાન અને સાધુસંતોની ભક્તિ કરું, તીર્થંકર પ્રભુની પૂજા કરાવું.’
સિદ્ધાર્થ રાજા આ બધા દોહદોને ખૂબ ઉલ્લાસથી પૂરા કરે છે. આમ ને આમ નવ મહિના ને સાડા સાત દિવસનો ગર્ભકાળ પૂરો થાય છે. તે વખતે ધરતી પર પુષ્કળ માત્રામાં ધાન્ય ઉગેલા છે, પશુ-પંખીઓ પણ મંગલ ધ્વનિ કરી રહ્યા છે. વાયુ અનુકૂળ રીતે વાઈ રહ્યો છે. લોકો પણ સુકાળ હોવાથી અને વસંતોત્સવની ક્રીડામાં મગ્ન હોવાથી ખુશ ખુશ છે ત્યારે ચૈત્ર સુદ તેરસના મંગલ દિવસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે પ્રસન્ન વાતાવરણમાં આરોગ્યવાળા એવા ત્રિશલામાતા આરોગ્યવાળા એવા પુત્રરત્નને જન્મ આપે છે.
રાજા સિદ્ધાર્થને જ્યારે પુત્રજન્મની વધામણી મળે છે ત્યારે તેમના અંગ અંગમાં આનંદ સમાતો નથી. વધામણી આપનાર દાસીનું આખી જિંદગી માટે દળદર ફીટી જાય એવું દાન રાજા દાસીને આપે છે. કેદખાનામાંથી કેદીઓને છોડી મૂકે છે. દેવાદારોના દેવા માફ કરે છે. દશ દિવસ સુધી આખા નગરમાં જાજરમાન મહોત્સવની ગોઠવણ કરે છે. તીર્થંકરોની ભક્ત, પૂજ્યોની પૂજા, સ્વજનોનો સત્કાર ને દીન-દુ:ખિયાને દાન સતત દશ દિવસ સુધી ચાલ્યા કરે છે. આ જન્મને દેવલોકથી આવીને ઈન્દ્રો દેવ-દેવીઓ પણ ઉજવે છે.
ત્યાર પછી સૌ સ્નેહીઓ, જ્ઞાતિજનો, કુટુંબીઓ, અધિકારીઓ, મિત્રો આદિની હાજરીમાં નવા જન્મેલા બાળકુંવરનું પૂર્વે કરાયેલા સંકલ્પ મુજબ ‘વર્ધમાન’ એવું નામ પાડવામાં આવે છે. વર્ધમાનકુમારના જન્મ પૂર્વે સિદ્ધાર્થ રાજાના સંતાન તરીકે કુમાર નંદીવર્ધન અને કુમારી સુદર્શના ઉછરી રહ્યા હતા. આ કુટુંબ જૈનોના ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથની પરંપરાનું શ્રાવકધર્મ પામેલું કુટુંબ હતું. બાળકુંવર વર્ધમાન જન્મથી જ અપાર બળ, વીર્ય અને તેજના ધારક હતા. તેમનો દેહ પૂરેપૂરો લક્ષણવંતો ને તપાવેલા સુવર્ણ જેવો ઝળાહળ થતો હતો.