Ep-11: ધર્મબોધ
આ ૧૧ પટ્ટશિષ્યોની સ્થાપનાની સાથે જ ભગવાન મહાવીરે સંપૂર્ણ જીવન પૂરેપૂરું ધર્મમય વીતાવવાની ભાવનાવાળા પુરુષો અને સ્ત્રીઓને પાંચ મહાવ્રતવાળી દીક્ષા પ્રદાન કરી. તેઓ સાધુ અને સાધ્વીજી કહેવાયા. જેની શક્ત આટલું ઊંચું જીવન જીવવાની નહોતી એ લોકોએ સાચી માન્યતાપૂર્વક પોતાનાથી પાળી શકાય એવા એક, બે કે વધુમાં વધુ બાર વ્રતો જે નાના હોવાથી તેને અણુવ્રત કહેવાય છે તેનો સ્વીકાર કર્યો. એ શ્રાવક અને શ્રાવિકા કહેવાયા. આ રીતે ચાર પ્રકારના સંઘની સ્થાપના થઈ. ભગવાન મહાવીરે આ ધર્મ માટેનું જે માળખું સ્થાપ્યું તેને જૈન પરિભાષામાં ‘તીર્થ’ કહે છે ને એવા તીર્થના સ્થાપક એટલે જ ‘તીર્થંકર’
જૈનધર્મની એ ખૂબી છે કે તેના સ્વીકાર માટેની યોગ્યતાનો માપદંડ માત્રને માત્ર ગુણવત્તાના ધોરણ છે. જેનામાં જેટલી ગુણવત્તા વિકસિત થઈ શકે છે તે વિકસિત થવા માટેનો મુક્ત અવકાશ જૈનધર્મે આપ્યો છે. એટલે જ મહાવીરપ્રભુ દ્વારા ધર્મતીર્થની સ્થાપના સાથે જ તેમાં સાધ્વીસંઘ પણ સ્થપાયો હતો. આ વ્યવસ્થા આજ સુધી અકબંધ ચાલી આવે છે. કેવળજ્ઞાનની પ્રાપ્ત પછી ભગવાન મહાવીર તત્કાલીન મગધ વગેરે દેશમાં વિચરતા રહ્યા હતા. અનેકાનેક રાજાઓ, રાજકુમારો, શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીપુત્રો, રાણીઓ, રાજકુમારીઓ વગેરેએ તેઓના ઉપદેશથી પ્રતિબોધ પામી સંન્યાસ (સાધુધર્મ) નો સ્વીકાર કર્યો હતો.
અને સાધુધર્મ ન લઈ શકનારાઓએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો.ભગવાન મહાવીરના ભક્ત રાજાઓમાં મગધરાજ શ્રેણિક, ઉજ્જયિનીના રાજા ચંડપ્રદ્યોત, વૈશાલીના રાજા ચેટક વગેરે નામો ગણાવી શકાય. જો કે ભગવાન મહાવીરનો ઉપદેશ સામાન્ય જનતાને પણ હૃદયસ્પર્શી બનતો. એમાં એક કારણ એ પણ હતું કે ભગવાન અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપતા જે બધાને આસાનીથી સમજાતો, ને માટે જ મહાવીર સ્વામી પાસે દીક્ષા લેનારા કઠીયારા જેવા લોકો પણ હતા ને આગળ વધીને રોહિણીયો ચોર જેવા પહેલા કુખ્યાત ને પછી વિખ્યાત બનેલા ચોર પણ હતા. એકંદરે લગભગ ત્રીસેક વર્ષ જેટલો સમય મહાવીર પ્રભુએ ઉપદેશો ફરમાવ્યા.