Ep-4: શ્રી કુલપાકજી તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ, કલાત્મક ]
તીર્થાધિરાજ: શ્રી આદીશ્વર ભગવાન, અર્ધપદ્માસનસ્થ, શ્યામ વર્ણ, લગભગ ૧૦૫ સે.મી (શ્વેતાંબર મંદિર)
તીર્થસ્થળ: આલેરથી લગભગ ૬ કિ.મી. દૂર કુલપાક ગામની બહાર વિશાળ પરકોટની વચ્ચે.
પ્રાચીનતા: શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા શ્રી માણિક્યસ્વામીના નામથી પ્રખ્યાત છે. પ્રતિમા ઘણીજ પ્રાચીન છે. એક લોકવાયકા છે કે શ્રી આદિનાથ પ્રભુના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર ચોવીસ ભગવાનની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી હતી, તે સમયે એક પ્રતિમા પોતાની અંગૂઠીમાં જડેલા નીલમથી પણ બનાવી હતી, એ જ એ પ્રતિમા છે. કહેવાય છે કે રાજા શ્રી રાવણને દૈનિક આરાઘનાથી આ પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. જે તેમણે તેમની પટરાણી મંદોદરીને આપી હતી. કેટલાક વખત સુધી આ પ્રતિમા શ્રીલંકામાં રહીઅને લંકાનું પતન થતાં આ પ્રતિમા અધિષ્ઠાયક દેવે સમુદ્રમા સુરક્ષિત રાખી.
શ્રી અધિષ્ઠાયક દેવની આરાધના કરતાં વિ.સં. ૬૮૦માં અહીંના શ્રી શંકર રાજાને આ પ્રતિમા પ્રાપ્ત થઈ જેને મંદિરનું નિર્માણ કરાવી પ્રતિષ્ઠિત કરવામાં આવી.
અહીં સં. ૧૩૩૩નો એક શિલાલેખ છે જેમાં આ તીર્થનો અને માણિક્યસ્વામીની પ્રતિમાનો ઉલ્લેખ છે. સંવત ૧૪૮૧ના ઉપલબ્ધ શિલાલેખમાં તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી રત્નસિંહસૂરિજીના સાન્નિધ્યમાં શ્રી જૈન શ્વેતાંબર સંઘ દ્વારા જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ છે. સં. ૧૬૬૫ના શિલાલેખમાં આચાર્યશ્રી વિજયસેનસૂરિશ્વરજીનું નામ ઉત્કીર્ણ છે. સં. ૧૭૬૭, ચૈત્ર સુદ દસમના દિવસે પંડિત શ્રી કેસરકુશળગણીજીના સાન્નિધ્યમાં શ્રી હૈદરાબાદના ભાવિકો દ્વારા જીર્ણોદ્ધારક થયાનો ઉલ્લેખ છે.

એ સમયે દિલ્લીમાં બાદશાહ ઔરંગઝેબ ના પુત્ર બહાદુરશાહના સૂબેદાર મહમદ યુસુફખાના સહયોગને લીધે જીર્ણોદ્ધારનું કાર્ય સારી રીતે સંપન્ન થયું અને મોટો પરકોટ પણ બનાવવામાં આવ્યો. વિ.સં. ૨૦૩૪ માં પુન: જીર્ણોદ્ધારનું કામ થયું હોય એવો ઉલ્લેખ છે. કહેવાય છે કે પહેલાં
અહીં શિખરની ઊંચાઈ ૨૯ ફુટ હતી જે આ જીર્ણોદ્વાર પછી ૮૯ ફૂટ થઈ. જે હાલમાં વિદ્યમાન છે. હાલમાં સભામંડપ વગેરેનું પુનઃ જીર્ણોદ્ધારનું કામ થયું છે.
વિશિષ્ટતા: શ્રી માણિક્યસ્વામી પ્રતિમા, શ્રી આદિશ્વર ભગવાનના જયેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તીજી દ્વારા અષ્ટાપદગિરિ પર પ્રતિષ્ઠિત થઈ હોવાનું માનવામાં આવે છે એટલે અહીંની મહાન વિશેષતા છે. આ પ્રતિમા અષ્ટાપદ પર્વત પર પૂજાયા બાદ રાજા રાવણે તેની પૂજા કરી હતી. તેના હજારો વર્ષ પછી અધિષ્ઠાયક દેવની આરાઘનાથી તે દક્ષિણના રાજા શંકરને પ્રાપ્ત થઈ. આવી પ્રતિમાનાં દર્શન અન્યત્ર અતિ દુર્લભ છે. આ સિવાય અહીં પ્રભુ વીરની ફિરોઝી નંગની બનેલી હસમુખ પ્રાચીન અદ્વિતીય પ્રતિમાનાં દર્શન પણ થાય છે.
દર વર્ષે ચૈત્ર સુદ તેરસથી પૂર્ણિમા સુધી મેળો ભરાય છે ત્યારે હજારો ભકતો ભાગ લઈ પ્રભુભક્તિનો લહાવો લે છે. અહીંના અધિષ્ઠાયક દેવ ચમત્કારી છે. કહેવાય છે કે કોઈ કોઈ વાર મંદિરમાં ઘૂઘરા વાગતા હોય એવો અવાજ આવે છે.
બીજા મંદિરો: હાલમાં આ સિવાય બીજું કોઈ મંદિર નથી.
કલા અને સૌંદર્ય: અહીં પ્રભુપ્રતિમાઓની કલા અત્યંત નિરાળી છે. અહીં કુલ ૧૫ પ્રાચીન પ્રતિમાઓ છે. બધી જ પ્રતિમાઓ પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે. માણિક્યસ્વામીની પ્રતિમા અને ફિરોઝી નંગની બનેલી મહાવીર ભગવાનની પ્રતિમાઓનું તો જેટલું વર્ણન થાય એટલું ઓછું. પ્રભુ વીરની ફિરોઝી નંગની આ આકારની બનેલી પ્રતિમા વિશ્વ પ્રતિમાઓમાં પોતાનું અલગ સ્થાન ધરાવે છે, જે વિશ્વનો અદ્વિતીય નમૂનો છે. અહીંના શિખરની કલા પણ નિરાળી જ છે. અહીંના ખંડેરોમાં પણ અતિ આકર્ષક કલાના નમૂના જોવા મળે છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન વિજયવાડા હૈદરાબાદ માર્ગ પર આવેલ આલેર લગભગ ૬ કિ.મી. દૂર છે. અહીં ઓટો તથા ટેક્ષીની સગવડતા છે. આલેર સ્ટેશનની સામે પણ ધર્મશાળા છે. જયાં પાણી,
વીજળીની સગવડતા છે. અહીંથી હૈદરાબાદ લગભગ ૮૦ કિ.મી. દૂર છે. અહીંનું બસ સ્ટેન્ડ લગભગ ૪૦૦ મીટર દૂર છે. મંદિર સુધી પાકો રસ્તો છે છેલ્લે સુધી કાર તથા બસ જઈ શકે છે.
સગવડતા: રહેવા માટે મંદિરના પરિસરમાં દરેક પ્રકારની સગવડતા વાળી વિશાળ ધર્મશાળા છે. અહીં ભોજનશાળા તથા નાસ્તાની સગવડતા છે. આ જ પરકોટમાં ૮૦ ઓરડાઓ વાળી દરેક પ્રકારની સગવડતા વાળી એક હજુ વિશાળ ધર્મશાળાનું નિર્માણ થયુ છે.

પેઢી: શ્રી શ્વેતાંબર જૈન તીર્થ કુલપાક
પોસ્ટ : કોલનપાક - ૫૦૮ ૧૦૨ વાયા : આલેર સ્ટેશન જીલ્લો - નલગોંડા, પ્રાંત : આંધ્રપ્રદેશ ,ફોન : ०८६८५-८१६૯६